ઈશ્વરિયા ગામના આઈટીઆઈના નિવૃત્ત કર્મચારી સાથે રૂ.33.60 લાખની ઠગાઈ

આદિત્ય બીરલા સનલાઈફ કંપનીના બે કર્મચારીઓ સામે નોંધાતો ગુનો
 
અમરેલી, તા.6 : ઈશ્વરિયા ગામે રહેતા અને આઈટીઆઈના નિવૃત્ત કર્મચારી મગનભાઈ શંભુભાઈ વામજા નામના વૃદ્ધે આદિત્ય બીરલા સનલાઈફ કંપનીની જીજ્ઞાબેન હિરેન ઉનડકટ અને હિરેન હસમુખ જોષી દ્વારા રૂ.33.60 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બન્ને સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી
હતી.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં અમરેલીના માણેકપરામાં આવેલી આદિત્ય બીરલા સનલાઈફ કંપનીમાં બ્રાંચ હેડ તરીકે નોકરી કરતા હિરેન હસમુખ જોષી અને મેનેજર તરીકે નોકરી કરતી જીજ્ઞાબેન હિરેન ઉનડકટ દ્વારા મગનભાઈ વામજા નોકરીમાંથી નિવૃત્ત થયાની જાણ થતા બન્ને કર્મચારીઓએ નિવૃત્તિના નાણાનું તેની કંપનીમાં રોકાણ કરી સારું વળતર આપવાની લાલચ આપી રૂ.33.60 લાખની રકમ લઈ લીધી હતી અને બન્નેએ મગનભાઈને જાણ કર્યા વગર અન્ય જગ્યાએ રોકાણ કરી દીધું હતું અને બાદમાં મગનભાઈ દ્વારા આ નાણાની ઉઘરાણી કરવામાં આવતા બન્નેએ મગનભાઈને રૂ.100ના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી ત્રણ માસમાં રકમ ચૂકવી આપવા બંધાયા હતા પરંતુ ત્રણ માસ બાદ પણ રકમ નહીં આપતા ઠગાઈ કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2022 Saurashtra Trust