ભારતીય મહિલા હોકી ટીમ સાથે સેમિફાઈનલમાં અન્યાય

ભારતીય મહિલા હોકી ટીમ સાથે સેમિફાઈનલમાં અન્યાય
શુટઆઉટ સમયે ટાઈમર જ શરૂ ન થયું : આંતરરાષ્ટ્રીય હોકી સંઘે માગી માફી
 
નવી દિલ્હી, તા. 6 ભારતીય મહિલા હોકી ટીમને શુક્રવારે રાત્રે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડયો હતો. મેચમાં પુરી મહેનત કરીને ભારતીય ટીમે સ્કોર 1-1થી બરાબર રાખ્યો હતો. બાદમાં મુકાબલો શુટઆઉટ સુધી પહોંચ્યો હતો. જો કે શુટઆઉટ દરમિયાન એવી ભુલ થઈ હતી જેનાથી ભારતીય ખેલાડીઓનું મનોબળ તુટી ગયું હતું. આ ભુલ મેચ અધિકારીઓથી થઈ હતી અને તેનું પરિણામ ભારતીય મહિલા ટીમે ભોગવવું પડયું હતું.
બન્ને ટીમો માટે આ મહત્વનો મુકાબલો હતો અને જીતનાર ફાઈનલમાં પ્રવેશ કરતા એક મેડલ નિશ્ચિત થવાનો હતો. મેચમા 60 મિનિટ સુધીમાં સ્કોર 1-1થી બરાબર રહેતા શુટઆઉટ સુધી મેચ પહોંચી હતી. શુટઆઉટમાં પહેલી તક ઓસ્ટ્રેલિયાને મળી હતી અને એબ્રોસિયાએ સ્ટ્રોક  લીધો હતો. જો કે ભારતીય કેપ્ટન સવિતાએ શાનદાર અંદાજમાં ગોલ બચાવ્યો હતો. આ દરમિયાન મેચ અધિકારી ટાઈમર ઓન કરતા ભુલી ગયા હતા અને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો શોટ અમાન્ય ગણાયો હતો. જેના પરિણામે બીજી તક મળી હતી અને આ વખતે કોઈપણ ભુલ કર્યા વિના ગોલ કરી લીધો હતો.
આ ગોલથી ભારત ઉપર દબાણ શરૂ થયું હતું અને ટીમ ઈન્ડિયાને 3-0થી હારનો સામનો કરવો પડયો હતો. ભૂલ ન થઈ હોત તો ભારત ઉપર દબાણ ન આવ્યું હોત અને પરિણામ પણ અલગ હોવાની શક્યતા હતી. આ ઘટનાના કારણે ખેલ જગતના દિગ્ગજો પણ નારાજ છે. આ મામલે આંતરરાષ્ટ્રીય હોકી સંઘે પણ માફી માગી છે અને નિવેદન જારી કર્યું છે. એફઆઈએચએ કહ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચેના મેચમાં શુટઆઉટ ભુલથી જલ્દી શરૂ થયું હતું અને ત્યારે ટાઈમર શરૂ થયું નહોતું.જેને લઈને માફી માગવામાં આવે છે. 

© 2022 Saurashtra Trust