મહિલા ક્રિકેટ ટીમ CWGના ફાઈનલમાં

મહિલા ક્રિકેટ ટીમ CWGના ફાઈનલમાં
સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પછાડયું : સ્મૃતિ મંધાનાની તાબડતોડ ઈનિંગ: મેડલ પાક્કો
 
બર્મિંઘમ, તા. 6 : બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાનઈલ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તેવામાં હવે મહિલા ટીમ ગોલ્ડ મેડલ માટે રમશે. ટી20માં ફાઈનલમાં જગ્યા બનાવીને ભારતીય ટીમ નિશ્ચિત રીતે એક મેડલ જીતીને ઈતિહાસ બનાવવા જઈ રહી છે. રોમાંચક સેમિફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 4 રને હરાવ્યું હતું.
ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. જેમાં સ્મૃતિ મંધાનાએ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા વચ્ચે પહેલી વિકેટ માટે 76 રનની ભાગીદારી થઈ હતી. જેમાં વર્મા 15 રને પેવેલિયન પરત ફર્યા બાદ રોડ્રિગ્સે બાજી સંભાળી હતી અને તાબડતોડ બેટિંગ કરી હતી. શેફાલી વર્મા આઉટ થયા બાદ મંઘાના પણ પેવેલિયન પરત ફરી હતી. તેણે 32 બોલનો સામનો કરીને શાનદાર 61 રન કર્યા હતા. જેમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ છે. આ ઉપરાંત હરમનપ્રીત કૌરે 20 બોલમાં 20 રને અને દિપ્તી શર્માએ 20 બોલમાં 22 રન કર્યા હતા. મેચમાં રોડ્રિગ્સ 44 રને નોટઆઉટ રહી હતી અને ભારતનો સ્કોર 20 ઓવરમાં પાંચ વિકેટે 164 રન થયો હતો.
જીત માટે 165 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત પણ મજબૂત રહી હતી. જો કે 28 રનના કુલ સ્કોરે શોફિયા ડંકલીના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો. બીજના છેડે ડેનિયલ વેટે સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. જો કે વેટ 27 બોલમાં 35 રન કરીન આઉટ થઈ હતી. બાદમાં નતાલી સ્કીવર અને એમી જોન્સ વચ્ચે મજબૂત ભાગીદારી થઈ હતી અને ભારતીય ટીમ ઉપર દબાણ આવ્યું હતું. જો કે એમી જોન્સ 24 બોલમા 31 રન કરીને આઉટ થઈ હતી જ્યારે નિર્ણાયક ઓવરમાં નતાલી પણ 41 રન કરીને આઉટ થઈ હતી. જેનાથી બાજી પલટાઈ હતી અને ભારતીય ટીમને જીત મળી હતી. ભારત તરફથી સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી હતી અને બે ખેલાડીને રનઆઉટ કરાવ્યા હતા.

© 2022 Saurashtra Trust