બર્મિંગહામ, તા.પ: કોમનવેલ્થ ગેમ્સમાં પહેલીવાર સામેલ થયેલ મહિલા ટી-20 ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય રાખનાર ભારતીય મહિલા ટીમની આવતીકાલ શનિવારે સેમિ ફાઇનલમાં મજબૂત અને યજમાન ટીમ ઇંગ્લેન્ડ સામે કસોટી થશે. પહેલા લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હાર સહન કર્યાં બાદ હરમનપ્રિત કૌરની ટીમે બાદમાં શાનદાર વાપસી કરી હતી અને સતત ત્રણ જીત સાથે સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમે તેના આખરી લીગ મેચમાં બારબાડોસ સામે 100 રને જીત મેળવીને તેના મનોબળમાં વધારો કર્યોં છે. જો કે ઇંગ્લેન્ડની બાધા પાર કરવા માટે ટીમની સીનીયર્સ અને જુનિયર્સ ખેલાડીઓએ સંઘભાવનાથી દેખાવ કરવો પડશે.
ટીમની ખાસ કરીને અનુભવી સ્મૃતિ મંધાના અને યુવા શેફાલી વર્મા પાસેથી સારી શરૂઆતની આશા રહેશે. મીડલઓર્ડરમાં જેમિમા રોડિંગ્સ, કપ્તાન હરમનપ્રિત કૌર અને દીપ્ત શર્મા પર વધુ મદાર રહેશે. જયારે ઝડપી બોલર રેણુકા સિંઘ તેનું ઘાતક ફોર્મ જાળવી રાખવા માંગશે. બીજી તરફ યજમાન ટીમ ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં જીત સાથે ગોલ્ડ મેડલ મુકાબલામાં પ્રવેશ માટે એડી ચોટીનું જોર લગાવશે. આ મેચ શનિવારે બપોરે 3-30 વાગ્યાથી શરૂ થશે. બીજો સેમિ ફાઇનલ મેચ રાત્રે 10-30થી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે.
મહિલા ક્રિકેટના સેમિ ફાઇનલમાં ભારતીય ટીમની આજે ઇંગ્લેન્ડ સામે કસોટી
