ટિકિટ રદ કરાવશો તો દંડ પર GST

ટિકિટ રદ કરાવશો તો દંડ પર GST
ટ્રેન, વિમાન, હોટેલના બૂકિંગને રદ કરવા પર GST ચૂકવવા અંગે સરકારની સ્પષ્ટતા
નવી દિલ્હી, તા.5 : હવે પ્રવાસીઓને તેમની હવાઈ, રેલ અને હોટેલનું બુકિંગ રદ કરાવવું મોંઘું પડશે.જો કોઈ વ્યક્તિ હોટેલ, ટ્રેન કે વિમાનની ટિકિટ બુક કરાવ્યા બાદ તેને રદ કરશે તો તેને જીએસટી ભરવો પડશે. સરકારે આ બાબતને લઈને પ્રવર્તતી મુંઝવણ અંગે સ્પષ્ટતા સાથે સ્થિતિ સાફ કરી છે. સરકારે જણાવ્યું હતું કે વસ્તુ અને સેવા કર (જીએસટી)ના નિયમો અનુસાર બુકિંગ રદ કરવું એ એક પ્રકારે કરાર રદ કરવા જેવું છે. કોઈ કરાર રદ થાય તો તેના પર દંડ ભરવો પડતો હોય છે એટલે ગ્રાહકે પણ બુકિંગ રદ કરવા બદલ દંડ પર ટેક્સ ભરવો પડશે.
સરકાર અનુસાર હોટેલ અને ટુર ઓપરેટરો દ્વારા કરવામાં આવેલા બુકિંગને કેન્સલ કરવા પર જીએસટી ભરવો અનિવાર્ય રહેશે. ગ્રાહકે બુકિંગ કરાવતી વખતે જે દરે જીએસટી ભર્યો હશે તે જ દરે તેણે કેન્સલેશન ચાર્જ પર જીએસટી આપવાનો થશે.
નાણા મંત્રાલયની ટેક્સ રિસર્ચ યુનિટ (ટીઆરયુ)એ આ સંબંધે એક પરિપત્ર બહાર પાડીને તેમાં અલગ-અલગ સ્થિતિઓને સમજાવવામાં આવી છે. જીએસટી કાયદા સંદર્ભે જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ કરાર અંગે સહમત થવું સેવાની આપૂર્તિ છે તેથી તે કરપાત્ર છે. ફર્સ્ટ ક્લાસ કે એસી કોચની ટિકિટના કેન્સલેશન ચાર્જ પર પાંચ ટકા જીએસટી આપવો પડશે, જે ટિકિટ પર લગાવવામાં આવતો દર છે. એ જ રીતે હવાઈ યાત્રા કે હોટેલના બુકિંગને રદ કરવા પર ગ્રાહકે બુકિંગ માટે આપેલા જીએસટીની સમાન જ કર આપવો પડશે.

© 2022 Saurashtra Trust