આજે સંસદભવનમાં ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન, મોડી સાંજે પરિણામ

આજે સંસદભવનમાં ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન, મોડી સાંજે પરિણામ
વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વા સામે એનડીએના જગદીપ ધનખડની જીત નક્કી
 
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 5 : આવતી કાલે શનિવારે ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન યોજાશે, સંસદ ભવનમાં સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામ પણ જાહેર થઈ જશે. હાલના ઉપ રાષ્ટ્રપતિ વૈંકય્યા નાયડુનો કાર્યકાળ 11 અૉગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. કેન્દ્રમાં સત્તાધારી ભાજપની આગેવાની હેઠળના એનડીએ તરફથી આ વખતે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉમેદવાર બનાવાયા છે જ્યારે વિપક્ષ તરફથી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા માર્ગારેટ આલ્વા ઉમેદવાર છે. જોકે, ધનખડની જીત નિશ્ચિત મનાય છે. બંગાળમાં સત્તાધીશ મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે મતદાનથી વેગળા રહેવાની જાહેરાત કરી છે અને યુપીની બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા માયાવતીએ ભાજપના ઉમેદવારને સમર્થન આપવાનું કહ્યું છે તેથી વિપક્ષના મતોમાં ઘટાડો થશે, તેથી આ ચૂંટણી માત્ર ઔપચારિકતા હોવાનું જણાઈ રહ્યું છે.
ભારતમાં ઉપ રાષ્ટ્રપતિ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભાપતિ પણ હોય છે અને કોઈ અનિવાર્ય કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો તેમની જવાબદારી ઉપ રાષ્ટ્રપતિએ નિભાવવાની હોય છે. ઉપ રાષ્ટ્રપતિ હોદાની રૂએ રાષ્ટ્રપતિ પછી બીજા નંબરના સર્વોચ્ચ સ્થાને અને ત્યાર બાદ ત્રીજા નંબરે વડા પ્રધાનનું પદ છે. ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સભ્યો જ મતદાન કરે છે.
આંકડા પ્રમાણે જોઈએ તો લોકસભાના 543 અને રાજ્યસભાના મનોનિત 12 સહિત 243 મળી કુલ 788 સંસદસભ્યો આ ચૂંટણીમાં મતદાન કરશે. ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન મત પત્રકોથી થાય છે. સંસદસભ્યએ મત પત્રકમાં પોતાની પસંદગીના ઉમેદવારને નંબર એક અને બે પ્રમાણે પ્રાથમિકતા આપવાની હોય છે. ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન વિશેષ પ્રકારે થાય છે જે સિંગલ ટ્રાન્સફરેબલ વૉટિંગ સિસ્ટમ તરીકે ઓળખાય છે.
માનો કે તમામ 787 સંસદસભ્યોએ મતદાન કર્યું હોય તો 787ની સંખ્યાને બે વડે ભાગવામાં આવે છે. અર્થાત તેનું પરિણામ 393.5 આવ્યું એટલે .5ને પૂર્ણાંક ગણી જોડવામાં આવે છે તેથી મતોની કુલ સંખ્યા 394 થાય. આનું કારણ એ છે કે વિજેતાને કુલ મતદાનના કમસેકમ પચાસ ટકા અર્થાત આ કેસમાં 394 મત તો મળવા જરૂરી છે.
હાલમાં સંસદના બંને ગૃહના સભ્યોની સંખ્યા પર નજર કરીએ તો લોકસભામાં ભાજપના જ 303 અને રાજ્યસભામાં 93 સાંસદો છે. આ સંખ્યાને જોડવામાં આવે તો 395નો આંકડો થઈ જાય છે. એટલે જ ધનખડની જીત પાકી હોવાનું કહી શકાય. મતદાન સંપન્ન થયા બાદ તુરંત જ મતગણતરી શરૂ થશે અને પહેલા રાઉન્ડની ગણતરીમાં જ જોવામાં આવે છે કે કયા ઉમેદવારને પહેલી પ્રાથમિકતાના વધુ મતો મળ્યા છે. જો પહેલા રાઉન્ડમાં જ આ મતોની સંખ્યા પર્યાપ્ત થઇ જાય તો તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.
ઉપ રાષ્ટ્રપતિ પદે ઉમેદવારી માટે 35 વર્ષથી વધુની વય અને ભારતના નાગરિક તેમ જ રાજ્યસભાના સભ્ય પદે ચૂંટાવાની તમામ યોગ્યતા હોવી જરૂરી છે. ચૂંટણીમાં ઉમેદવારી માટે 15,000 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવાની રહે છે અને 1/6 મતો ન મળે તો ચૂંટણી પંચમાં આ રકમ જમા થાય છે.

© 2022 Saurashtra Trust