ભારતમાં લોકશાહીનું મૃત્યુ, તાનાશાહીની શરૂઆત : રાહુલ

ભારતમાં લોકશાહીનું મૃત્યુ, તાનાશાહીની શરૂઆત : રાહુલ
આનંદ કે. વ્યાસ
 
નવી દિલ્હી, તા. 5 : રાષ્ટ્રપતિ ભવન તરફ વિરોધ માર્ચ પહેલા, ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત લોકશાહીનાં મૃત્યુની સાથે સરમુખત્યારશાહીની શરૂઆતને નિહાળી રહ્યું છે અને જે લોકો એની વિરુદ્ધ ઊભા છે તેમના પર હુમલાઓ થઈ રહ્યા છે. ધરપકડ થઈ રહી છે અને જેલમાં પુરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં એઆઈસીસી મુખ્યાલય ખાતે પત્રકારોને સંબોધિત કરતા ગાંધીએ પૂછ્યું, તમે ભારતમાં શરૂ થઈ રહેલી સરમુખત્યારશાહીનો આનંદ કેવી રીતે લઈ રહ્યા છો... તમે લોકશાહીના મૃત્યુ અંગે કેવી લાગણી અનુભવી રહ્યા છો. ગાંધીએ વડા પ્રધાન મોદીની તુલના હિટલર સાથે પણ કરી હતી. હિટલર પણ ચૂંટણી જીતી હતી, એ પણ ચૂંટણી જીતતા હતા. એ કેવી રીતે કરતા હતા? જર્મનીની તમામ સંસ્થાઓ પર તેમનું નિયંત્રણ હતું. મને પૂરી વ્યવસ્થા આપો, પછી હું તમને બતાવીશ કે
ચૂંટણી કેમ જીતાય છે, એમ રાહુલ ગાંધીએ કહ્યું.
 
શું કોંગ્રેસમાં લોકશાહી છે? : ભાજપનો વળતો પ્રહાર
નવી દિલ્હી, તા 5 : દેશમાં મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કરેલા હુમલાના થોડા સમય બાદ ભાજપે આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે ભાવ વધારો અને બેરોજગારી એક બહાનુ છે. દેશવ્યાપી વિરોધ પાછળનું અસલી કારણ ઈડીને ડરાવવાનું અને પરિવારને બચાવવાનું છે.
કટોકટી કાળમાં ભારતમાં અંધકાર છવાઈ ગયો હતો, ત્યારે કૉંગ્રેસનું શાસન હતું. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીનાં દાદીએ દેશમાં કટોકટી જાહેર કરી હતી. કટોકટી દરમિયાન વરિષ્ઠ પત્રકારોને જેલમાં ધકેલી દેવાયા હતા. રાહુલ ગાંધીનાં દાદીએ પ્રતિબદ્ધ ન્યાયપાલિકાની વાત કરી હતી. શું તમને કંઈ યાદ છે? તમે અમને લોકશાહીની સલાહ આપો છો. શું તમારા પક્ષમાં લોકશાહી છે? રાહુલ ગાંધીના ભારતમાં લોકશાહીનું મૃત્યુ જોઈ રહ્યો છુંના આક્ષેપોને નકારતા ભાજપના સંસદ સભ્યએ કહ્યું હતું.
 
રામ મંદિર શિલાન્યાસના વિરોધમાં કોંગ્રેસે કાળા કપડા પહેર્યાં : અમિત શાહ
નવી દિલ્હી, તા. 5 : ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસના દિલ્હીમાં પ્રદર્શનને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસે પ્રદર્શન મોંઘવારી કે બેરોજગારી સામે નથી કર્યું પણ આજે રામ જન્મભૂમિનું શિલાન્યાસ થયો હોવાથી કોંગ્રેસે કાળા કપડા પહેરીને તેની સામે પ્રદર્શન કર્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે છૂપી રીતે અપીઝમેન્ટ પોલિસી અપનાવી છે. ઈડીની પૂછપરછ નથી ચાલી રહી તેમ છતા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લોકો કાળા કપડા પહેરીને આવ્યા હતા. આજના દિવસે જ રામ જન્મભૂમિનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ રીતે સમાધાન થયું હતું પણ કોંગ્રેસ ખુશ નથી. તેવામાં રામ મંદિરના વિરોધમાં કાળા કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

© 2022 Saurashtra Trust