સોરઠના દરિયાકાંઠે પેકેટ મળવાનો સિલસિલો જારી

સોરઠના દરિયાકાંઠે પેકેટ મળવાનો સિલસિલો જારી
માંગરોળ આત્રોલીના દરિયાકાંઠેથી ચરસના વધુ 50  પેકેટ મળ્યા: માધવપુરમાંથી વધુ 15 મળ્યા: ગીર સોમનાથના 273 પેકેટ અંગે ગુનો નોંધાયો
(ફૂલછાબ ન્યુઝ)
જૂનાગઢ ,તા.5: ત્રણ દિવસ પહેલા માંગરોળથી આત્રોલી વચ્ચેના દરિયાકાંઠેથી ચરસના 39 પેકેટ મળ્યા હતા. જ્યારે આજે ચરસના વધુ 50 જેટલા  પેકેટ મળ્યા હતા. આમ જૂનાગઢ ત્રણ દિવસમાં કુલ 90 જેટલા પેકેટ મળ્યા છે. હજુ એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા દરિયામાં અને કાંઠા પર તપાસ કરવામાં આવી રહી છે.
ત્રણ દિવસ પહેલા માંગરોળ બંદર નજીક, આત્રોલી અને આસપાસના દરિયા કાંઠેથી એસઓજી અને સ્થાનિક પોલીસની તપાસ દરમિયાન કોફીના પેકેટમાં ચરસ ભરેલા 39 પેકેટ મળ્યા હતા. આ મામલે નવ લાખના ચરસ અંગે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં અજાણ્યાં શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા માંગરોળથી આત્રોલી પંથકના દરિયાકાંઠે તપાસ કરવામાં આવી હતી. જેમાં આજે વધુ 50 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. જેને એસઓજીએ કબ્જે કર્યા હતા.અમુક પેકેટ દરિયાકાંઠે અવાવરૂ જગ્યામાંથી મળ્યા હતા. જેથી આ પેકેટ દરિયાના મોજા સાથે તણાઈને આ સ્થળે આવી ગયાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા દરિયામાં અને કાંઠા આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.
માધવપુર:  માધવપુર વિસ્તારના દરિયા કિનારેથી નશીલા પદાર્થના વધુ 15 પેકેટ મળી આવ્યા હતાં. રાતિયા ગામના દરિયા કાંઠે કોસ્ટલ પેટ્રોલીંગ દરમિયાન પીએસઆઇ એચ.જે. રાઠોડ અને તેની ટીમને માદક પદાર્થના વધુ 15 પેકેટ મળી આવ્યા હતાં. આ પેકેટ પર મેડ પાકિસ્તાનના  લેબલ હોવાનું જણાવાય છે. આ પેકેટ અંગે માધવપુર પોલીસમાં અજાણ્યા શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ પેકેટ અંગે એસઓજીના પીઆઇ જાડેજા અને તેની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
વેરાવળ: ગીર સોમનાથના દરિયા કિનારે માદક પદાર્થ શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ જ છે. દરમિયાન ગીર સોમનાથના દરિયા કાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવેલા ચરસના 273 પેકેટ અંગે અજાણ્યા શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં એક પેકેટમાં એક કિલો લેખે ચરસનો 273 કિલો જથ્થો હોવાનું જણાવાયું છે.
-----
માધવપુર નજીકથી મળેલા પેકેટમાં મેરેજુએના હસીસ હોવાનું ખુલ્યું
(ફૂલછાબ ન્યુઝ)
પોરબંદર, તા. 5: માધવપુર અને ગોરસર વચ્ચેના દરિયા કિનારેથી બે દિવસ પહેલા મળી આવેલ શંકાસ્પદ  પાવડરના  પેકેટમાં  મેરેઝુએના હસીસ નામનો માદક પદાર્થ હોવાનું બહાર આવ્યું હતું.   માધવપુર અને ગોરસર વચ્ચેની દરિયાઇ પટ્ટી પર મામા પાગલ આશ્રમ પાછળના દરિયા કાંઠે  બે દિવસ પહેલા શંકાસ્પદ પદાર્થના 21 પેકેટ મળી આવ્યા હતા ત્યારબાદ શુક્રવારે વધુ તપાસ હાથ ધરતા એજ કિનારેથી વધુ 15 પેકેટ કે જેની અંદાજિત કિંમત 25 લાખ રૂપિયા  થવા જાય છે તે કબ્જે થયા હતા. જે પ્રાથમિક દૃષ્ટિએ નશાયુકત પદાર્થ હોવાનું જણાયું હતું તેથી  આ 15 પેકેટ પદાર્થનો જથ્થો કબ્જે કરીને એફ.એસ.એલ.ના અધિકારી દ્વારા  તેનો કબ્જો લઇને તપાસ કરવામાં આવી હતી અને સેમ્પલ લેવાયા બાદ રેન્ડમ રીતે ચેક કરતાં તે મેરેઝુએના હસીસ નામનો નશીલો પદાર્થ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. લુગદી જેવા આ પદાર્થના પેકેટ ઉપર કોફીકો માર્કાની છાપ મારેલ હતી.આ પેકેટ અંગે અજાણ્યા શખ્શો સામે  આ વખતે જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.

© 2022 Saurashtra Trust