સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો આનંદ ભયો: વઢવાણમાં દે ધના ધન 4.5 ઇંચ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો આનંદ ભયો: વઢવાણમાં દે ધના ધન 4.5 ઇંચ
ધ્રાંગધ્રામાં 3.5, બોટાદ-મહુવામાં 3, ચોરવાડ અને લીંબડીમાં 2.5, તાલાલા-બાબરા-હળવદ-ગઢડા-રાજુલામાં 2, માળિયામિંયાણા-પ્રાચી-બરવાળા-રાણપુરમાં 1.5 ઇંચ વરસાદ
ચુડાના ગોખરવા ગામે મંદિરની છત પર વીજળી પડતા સામાન્ય નુકસાન
રાજુલાના દાતરડી ગામ નજીક ખાડામાં પાણી ભરાતા ભાવનગર- સોમનાથ નેશનલ હાઇ-વે થોડીવાર માટે બંધ થયો
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.5 : સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાની શરુઆતમાં જ મેઘરાજાનો બીજા રાઉન્ડ શરુ થયો છે. આજે તો સૌરાષ્ટ્રભરમાં વરસાદી વાતાવરણ વચ્ચે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને જન્માષ્ટમી પહેલા જ મેઘરાજાએ આનંદ ભયો કરાવી દીધો છે. ચોમાસા દરમિયાન અત્યારસુધીમાં પ્રમાણમાં ઓછો વરસાદ ઘરાવતા સુરેન્દ્રનગર જિલ્લા પર આજે દે ધના ધન મેઘકૃપા વરસી છે. વઢવાણમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ સિવાય ધ્રાંગધ્રામાં સાડા ત્રણ ઇંચ, લીંબડીમાં અઢી ઇંચ, મુળીમાં દોઢ ઇંચ અને સાયલામાં પોણો ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત અમરેલી, જૂનાગઢ અને મોરબી પંથકમાં પણ અડધાથી લઇને 3 ઇંચ સુદી વરસાદ વરસ્યો છે. રાજકોટમાં પણ આજે ધીમીધારે અડધો ઇંચ જેટલો વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઇ હતી. મોટાભાગના વિસ્તારમાં આજે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે જેમાં ચુડાના ગોખરવા ગામે મંદિર ઉપર વીજળી પડતા સામાન્ય નુકશાન થયું છે. જયારે રાજુલા પંથકમાં ધોધમાર વરસાદથી દાતરડી ગામ નજીક ખાડામાં પાણી ભરાતા ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે થોડીવાર માટે બંધ થયો હતો. 
અમરેલી : અમરેલી જિલ્લામાં મોડી રાત્રીથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાઠી બાબરા સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડયો હતો. લાઠી શહેરમાં વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડયો હતો.  રાજુલાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકયો હતો. તો જાફરાબાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. ધારી અને સાવરકુંડલા પંથકના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડયો હતો. રાજુલા પંથકમાં મુશળધાર 2 ઈંચ કરતા વધુ વરસાદને કારણે આસપાસનાં ખેતરોમાં પાણી ભરાયા હતાં. ડુંગર ગામની સુકવો અને સાજણવાવ ગામની સાંજણી નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી. રાજુલાના દાતરડી ગામ નજીક રોડ પર ખાડામાં પાણી ભરાવાને કારણે સોમનાથ ભાવનગર નેશનલ હાઈ-વે પણ બંધ થયો હતો. અહિં કોન્ટ્રાકટર દ્વારા અધુરું કામ મુકવામાં આવ્યું છે જેને લઈને અહિં વાહન ચાલકો પરેશાન થયા હતાં. નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા વ્યવસ્થા નહીં થતાં ગામના લોકો જાતે જ જીસીબી બોલાવી વાહન વ્યવહાર ફરીથઈ પુર્વવત થાય તે માટે કામે લાગ્યું હતું.
ચોરવાડ : ચોરવાડ નગર તથા આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલ રાત્રીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. રાત્રીથી સવાર સુધીમાં 20 એમએમ તથા બપોર બાદ જોરદાર વરસાદ વરસતા 41 એમએમ ડેમ સાઈડ પર નોંધાયેલ છે. એટલે કુલ 61 એમએમ વરસાદ થયેલ છે.
માળિયાહાટીના : માળિયા હાટીનામાં 15 દિવસના વિરામ બાદ ગઈકાલે રાત્રીથી ધીમીધારે વરસાદ થયો હતો જે આજે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 30 મીમી પાણી પડયું છે. આસપાસના ગામોમાં પણ વરસાદના વાવડ છે.
બોટાદ : બોટાદ શહેરમાં મેઘરાજાએ ધીમીધારે વરસવાનું શરૂ કરતાં સવારનાં 10 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 81 મીમી એટલે કે ત્રણ ઈંચ ઉપરાંત વરસાદ પડવાથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. જ્યારે શહેરના અંડરબ્રીજમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને બેરીકેટ ગોઠવી રસ્તો બંધ કરી દેવામાં આવેલ. બોટાદ પંથક ગામડાઓમાં પણ ધીમી ધારે વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતાં. જયારે ગઢડામાં 52, બરવાળામાં 32, રાણપુરમાં 34 મીમી વરસાદ પડયો હતો.
મહુવા : મહુવા શહેરમાં આજે બપોર પછી અસહ્ય બફારા બાદ 3 ઈંચ વરસાદ ખાબકતા ચોતરફ પાણી પાણી થઈ ગયું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ભાવનગર : ગોહિલવાડ પંથકમાં આજે બપોરે વરસાદી માહોલ ઉભો થયો હતો. જિલ્લાના મહુવામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો જ્યારે શિહોર ઉમરાળા વલ્લભીપુરમાં પણ અડધાથી એક ઈંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં બપોરે વરસાદનું ઝાપટુ વરસી ગયું હતું.
વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે વઢવાણમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા અને 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ચુડા તાલુકાના ગોખરવા ગામમાં માતાજીના મંદિર ઉપર વિજળી ત્રાટકી હતી. મંદિરનો ધુમ્મટને નુકસાન થયું છે અને મંદિરમાં પણ અંદર મોટુ નુકસાન થયું છે.
પ્રાંચી : સુત્રાપાડા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ, ઘંટીયા, ટીંબડી, આલિદ્રા, ટોબરા, ખાંભા, કુંભારીયા સહિતનાં ગામોમાં વિરામ બાદ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ગત રાત્રીથી જ અચાનક જ વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે આજ સવારથી જ મેઘરાજા મન મુકીને વધરસ્યા હતાં એક કલાકમાં ધોધમાર એક થી દોઢ ઈંચ જેટલો વધરસાદ વરસ્યો હતો અને ચારેબાજુ રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતાં.
મોરબી : મોરબી શહેર તેમજ મોરબી જિલ્લામાં ગ્રામ્ય પંથક અને શહેરી વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદી ઝાપટાથી લઈને સારો વરસાદ વરસ્યો હતો. જેમાં મોરબી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં ટંકારા તાલુકામાં 23 મીમી, માળિયા તાલુકામાં 32 મીમી, મોરબી તાલુકામાં 17 મીમી, વાંકાનેર તાલુકામાં 06 મીમી અને હળવદ તાલુકામાં 44 મીમી વરસાદ વરસ્યો હતો. આજે મોરબીમાં વીઝીબીલીટી એકદમ ઘટી જવા પામી છે. ધુમ્મસીયા વાતાવરણમાં જેમ સાવ ધુંધળુ વાતાવરણ જોવા મળે તેવો જ નજારો આજે જોવા મળ્યો હતો.
બાબરા : બાબરા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલ સાંજથી આજ સવાર દરમ્યાન બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ઉભા પાકની જરૂરીયાત સમયે મેઘરાજાએ મહેર કરતાં આ કાચા સોના માફત સાબિત થયો છે. બાબરા રાજકોટ રોડ સ્થિત શ્રીજી નગર વિસ્તારનાં રહેણાંક મકાનના ધાબા ઉપર ગઈ રાતે આકાશી વિજળી પડતાં સોલાર હીટર અને બાંધકામમાં સામાન્ય નુકસાન થયાનું જાણવા મળે છે.
તાલાલા : તાલાલા પંથકમાં બીજા દિવસે પણ બપોર બાદ ભારે વરસાદ પડતાં આખો પંથક પાણીથી તરબોળ થઈ ગયો હતો. આજે બપોર બાદ તાલાલા પંથકના મોટાભાગનાં ગામોમાં એક કલાકમાં બે ઈંચ જેટલો અતિભારે વરસાદ પડયો હતો.
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં અને અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં મેઘરાજાએ હેત વધરસાવતાં ઠેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ પાણી ભરાતા તંત્રની પ્રી મોનસુન કામગરીની પોલ ખુલી હતી અને વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ધ્રાંગધ્રામાં આજે વહેલી સવારથી જ કડાકાભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેથી શહેરની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયા હતાં.
ઉપલેટા : ઉપલેટા આજે બપોરનાં ચારથી પાંના સમય દરમિયાન ગઢળા ખાખી જાળીયા સેવંત્રા ગામોમાં એક ઈંચ વરસાદ પડેલ છે તાલુકાના મોજ ડેમમાં ગઈકાલે વરસાદના કારણે રાત્રે 0.30 વધારો થયેલ છે તેમની સપાટી 36 ફુટ થયેલ છે.
સુરત : હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં ગત મોડી રાત્રે અને આજે બપોરે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો આજે બપોરે ચાર વાગ્યા સુધીમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડયો હતો. તો જિલ્લાના પલસાણામાં આજે પુરા થતા 24 કલાક દરમિયાનમાં 77 મીમી ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. સુરત સીટીના કતારગામ ઝોનમાં બે કલાકમાં 78 મીમી ત્રણ ઈંચ જેટલો ભારે વરસાદ પડયો હતો.

© 2022 Saurashtra Trust