ચીને ‘હદ’ ઓળંગી : ગમે ત્યારે નવાજૂની ?

ચીને ‘હદ’ ઓળંગી : ગમે ત્યારે નવાજૂની ?
10 યુદ્ધક જહાજ, 20 લડાકૂ વિમાન તાઈવાન મેડિયન લાઈનથી આગળ ઘૂસ્યા : અમેરિકાએ ઉતાર્યું પરમાણુ જહાજ
બેજિંગ/તાઈપેઈ, તા.પ : અમેરિકી રાજનેતા નેન્સી પેલોસીની તાઈવાન યાત્રા બાદ ચીન લાલઘૂમ છે અને રોજ તાઈવાન વિરુદ્ધ શક્તિ પ્રદર્શન કરી રહ્યંy છે. હવે તો હદ પાર કરતાં 10 યુદ્ધક જહાજ અને ર0 લડાકૂ વિમાનોને તાઈવાનની અત્યંત નજીક ઘૂસાડયા છે. બીજીતરફ ચીનને કાબૂ કરવા અમેરિકાએ પરમાણુ શક્તિથી સજ્જ યુદ્ધ જહાજ રોનાલ્ડ રિગનને તાઈવાન નજીક તૈનાત કર્યું છે. આ જહાજ 90 ફાઈટર જેટથી સજ્જ છે. ચીન અને તાઈવાનને એક બીજાથી અલગ કરતી સમુદ્રની મેડિયન લાઈન ચીને લાંબા સમય બાદ ઓળંગી છે. આ એક બિનઔપચારિક લાઈન છે જે બંન્ને દેશ બિનસત્તાવાર સ્વીકારે છે અને સામાન્ય રીતે પાર કરતાં નથી. તાઈવાને ચીનની આ ગતિવિધિને ઉશ્કેરણીજનક ગણાવી છે. તાઈવાન સંરક્ષણ મંત્રાલય અનુસાર આજે સવારે 11 વાગ્યે ચીની ફાઈટર વિમાનો અને જહાજોએ તાઈવાનની સ્ટ્રેટ આસપાસ યુદ્ધ અભ્યાસ કર્યો હતો. મિસાઈલો છોડવી તથા તાઈવાનની મધ્ય રેખાને જાણી જોઈને પાર કરવી એ ઉત્તેજક કાર્યવાહી છે. ચીન ઈચ્છે છે કે તાઈવાન જવાબ આપે. અમેરિકી સંસદના સ્પીકર પેલોસી તાઈવાન આવી અને પરત ચાલ્યા ગયા પરંતુ તેમની આ મુલાકાત બાદથી નારાજ ચીન તાઈવાનને ઘેરી રહ્યું છે. નિષ્ણાતો અનુસાર મેડિયન લાઈનને ચીને પાર કરી તેને દુર્લભ ઘટના છે. આ સ્થિતિમાં ટકરાવની સંભાવના વધી જાય છે.
--------
ભારતની લુચ્ચાં ચીનને ચેતવણી
પૂર્વીય લદ્દાખ સીમાથી યુદ્ધ વિમાનો દૂર રાખવા ડ્રેગનને કડકપણે તાકીદ
નવી દિલ્હી, તા. 5 : તાઈવાન સાથે તાણ સર્જનાર ચીનને ચેતવણી આપતાં ભારતે લદ્દાખ સીમાથી તેના યુદ્ધ વિમાન દૂર રાખવાની તાકીદ કરી છે. હકીકત કંઈક એવી છે કે, વીતેલા દિવસો દરમ્યાન ચીનના યુદ્ધ વિમાન ભારતીય સીમાની ઘણા નજીક આવી ગયા હતા. ભારતે આ મુદ્દે ચીન સાથે સૈન્ય સ્તરની બેઠક બોલાવી હતી, જેમાં પૂર્વ લદાખ ક્ષેત્ર પાસે ચીનની ઉશ્કેરણીજનક ગતિવિધિઓ સામે વિરોધ દર્શાવાયો હતો. બંને દેશોમાં જારી પૂર્વ લદ્દાખ સીમા વિવાદ વચ્ચે આ પ્રથમ પ્રસંગ હતો, જ્યારે ભારતીય વાયુદળના કોઈ અધિકારીએ સૈન્ય સ્તરની વાતચીતમાં ભાગ લીધો હોય. ભારતીય વાયુદળના વડા એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણરેખા પારની હવાઈ ગતિવિધિઓ પર અમારી સતત નજર છે. હવામાં થતી કોઈ પણ હિલચાલ પર ચાંપતી નજર રાખવાના હેતુ સાથે ભારતીય સેના પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણરેખા પર રડાર લગાવી રહી છે, તેવું તેમણે ઉમેર્યું હતું. લદ્દાખ સીમા વિવાદ પર અનેક દોરની વાતચીત થઈ ચૂકી છે છતાં ચીન વારંવાર હીન હરકતો કરતું હોવાથી આ ચેતવણી ભારતે આપવી પડી છે.

© 2022 Saurashtra Trust