કાળા વત્રોમાં સજજ નેતાઓ-કાર્યકરોનું સંસદથી સડક સુધી વિરોધ પ્રદર્શન, સરકારની ઝાટકણી
રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત
નવી દિલ્હી, તા.પ : મોંઘવારી, બેરોજગારી અને જીએસટીના વિરોધમાં શુક્રવારે કોંગ્રેસે કાળી કૂચ (બ્લેક માર્ચ) એટલે કે કાળા વત્રો ધારણ કરીને સડકથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન યોજયુ હતુ. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંસદમાં વિરોધની આગેવાની લીધી તો રાહુલ અને પ્રિયંકા ગાંધીએ બહાર મોરચો સંભાળ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. સંસદ પરિસરમાં કેટલાક કોંગ્રેસી નેતાઓએ ગળામાં લિંબુ-મરચાં-કાકડી સહિત શાકભાજીની માળા ધારણ કરી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયામાં કહયુ કે રામ મંદિરના વિરોધમાં કોંગ્રેસે જાણીજોઈને કાળા વત્રનો ઉપયોગ કર્યો છે. વિરોધ માટે રામ મંદિરના શિલાન્યાસનો દિવસ કેમ પસંદ કર્યો ?
રાહુલ ગાંધી સહિત કોંગ્રેસી નેતાઓ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ માટે નિકળતાં પોલીસે તેમને વિજય ચોક ખાતે રોકી અટકાયત કરી હતી. પીએમ નિવાસને ઘેરવા નિકળેલા પ્રિયંકા ગાંધી બેરિકેડ્સ પર ચઢી આગળ વધતાં અને સ્થળ પર જ ધરણાં પર બેસી જતાં તેમને પણ કસ્ટડીમાં લેવાયા હતા.વાયરલ વીડિયોમાં પોલીસ કર્મીઓ પ્રિયંકા ગાંધીને ઉઠાવીને પોલીસવેનમાં લઈ જતાં અને તેઓ પોતાને છોડવવા પ્રયાસ કરતાં જોવા મળે છે.
કોંગ્રેસ પ્રેરિત વિરોધ પ્રદર્શનમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ દેશ વ્યાપી વિરોધ પ્રદર્શનમાં કાળા વત્રો પહેર્યા હતા. સંસદમાં પણ કોંગ્રેસના સાંસદો કાળા વત્ર પહેરીને આવ્યા હતા. કોંગ્રેસે એક નિવેદનમાં જાહેર કર્યુ કે કોંગ્રેસ કાર્ય સમિતિના સદસ્યો અને વરિષ્ઠ નેતા વડાપ્રધાન નિવાસ સ્થાનનો ઘેરાવ કરવામાં ભાગ લેશે. જયારે લોકસભા અને રાજ્યસભાના કોંગ્રેસના સાંસદો સંસદથી ‘ચલો રાષ્ટ્રપતિ ભવન’ કૂચમાં ભાગ લેશે. કોંગ્રેસની કૂચ પહેલા દિલ્હીમાં અનેક વિસ્તારમાં કલમ 144 લાદવામાં આવી હતી. દિલ્હી પોલીસે કોંગ્રેસને રાષ્ટ્રીય રાજધાનીમાં વિરોધ પ્રદર્શન યોજવાની મંજૂરી આપવા ઈનકાર કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ એલાન કર્યુ કે મોંઘવારીના વિરોધમાં તેઓ ધરપકડ વહોરવા તૈયાર છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કટાક્ષ કર્યો કે જયોતિષીએ કહ્યંy છે કે કાળા રંગના વત્રો પહેરીને વિરોધ પ્રદર્શન યોજવાથી મોદી સરકારને સદબુદ્ધિ આવશે !
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મોંઘવારી હદથી વધુ વધી છે. સરકારે કંઈક કરવું પડશે. અમે તે માટે જ આંદોલન કરી રહયા છીએ. દેશમાં બે ચાર લોકો ધનિક બની રહ્યા છે. જ્યારે આખો દેશ તડપી રહયો છે. તેમને (મંત્રીઓ) ને મોંઘવારી એટલા માટે નથી દેખાતી કારણ કે તેમની પાસે પૈસા જ પૈસા છે. વિરોધ માટે નિકળતાં પહેલા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી કહ્યંy કે,વર્તમાન સમયમાં આપણે લોકતંત્રનું મૃત્યુ જોઈ રહ્યા છીએ. ભારતે લગભગ એક સદી પહેલા જે કંઈ બનાવ્યુ છે, તે તમારી આંખો સામે નષ્ટ કરાઈ રહ્યું છે. જે કોઈ પણ તાનાશાહી વિચાર વિરુદ્ધ ઉભા રહે છે તેના પર શાતિર હુમલો કરાય છે. તેને જેલમાં નાખી દેવાય છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ સાંસદો સાથે પોલીસે મારપીટ કર્યાનો આરોપ લગાવ્યો હતો.