રેપોરેટમાં 0.5 ટકાનો વધારો, તમામ લોન મોંઘી થશે : મોંઘવારીમાં ઘટાડાનું પણ પૂર્વાનુમાન
નવી દિલ્હી, તા. 5 : વધી રહેલી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ રેપોદર 4.90 ટકામાંથી 0.50 ટકા વધારીને 5.40 ટકા કરી નાખ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પત્રકાર પરિષદમાં આ અંગે જાણકારી હતી.
રેપોરેટમાં વધારાના આ નિર્ણયના પગલે ગૃહ, વાહન ધિરાણ તેમજ પર્સનલ લોન મોંઘી બનશે, મતલબ એ થયો કે, હવેથી ઈએમઅઈ (સમાન માસિક હપ્તા)ની રકમ વધી જશે. આ સંબંધમાં ત્રીજી ઓગસ્ટથી આર્થિક નીતિ સમિતિની બેઠક ચાલી રહી હતી. આમ, ત્રણ દિવસ મંથનના અંતે રેપોદરમાં વધારો કરાયો છે. ફેંસલાની જાણકારી આપતાં રિઝર્વ બેન્કના ગવર્નર દાસે જણાવ્યું હતું કે, વૈશ્વિક આર્થિક સ્થિતિની અસર સ્વાભાવિકરૂપે ભારતીય અર્થવ્યવસ્થા પર થઈ છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટવા સાથે વૈશ્વિક પુરવઠાની સાંકળમાં સુધારાના પગલે મોંઘવારી ઘટવાનું અનુમાન પણ રિઝર્વ બેન્કે કર્યું છે. વિતેલા દિવસોમાં મોંઘવારી દર સાત ટકાથી વધુ રહ્યો હતો, જે 2022-23ના વર્ષ દરમ્યાન ઘટીને 6.7 ટકા રહી શકે છે. કોઈ વ્યક્તિ 7.55 ટકાના દરે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની લોન લે તો તેનો હપ્તો 24,260 રૂપિયા હોય. આ દર સાથે 20 વર્ષમાં વ્યક્તિને 58,22,304 રૂપિયા ચૂકવવા પડશે.