બરવાળા લઠ્ઠાકાંડમાં આજે ચાર્જશીટ રજૂ કરાશે એમોસના ડિરેક્ટરોને આરોપી બતાવાય તેવી શક્યતા

પીડિત પરિવારોએ ન્યાય માટે ગાંધીનગરમાં દેખાવો કર્યા 
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 5: બરવાળા લઠ્ઠાકાંડમાં સરકારે પોલીસને ચાર્જશીટ દાખલ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે ત્યારે પોલીસ દ્વારા આવતીકાલે ચાર્જશીટ રજૂ કરાશે. પોલીસે મોટા ભાગના પૂરાવાઓ મેળવી લેવાયા હોવાનો દાવો કર્યો  છે. ચાર્જશીટમાં એમોસ કંપનીના ડિરેક્ટરોને આરોપી તરીકે બતાવાય તેવી પ્રબળ શક્યતા છે.  
ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇ કોર્ટે એમોસના ચારેય ડિરેક્ટરોની જામીન અરજી ફગાવી હતી અને નીચલી અદાલતમાં જામીન અરજી કરવાની પરવાનગી આપી હતી. તેમજ હાલમાં એમોસ કંપનીના સમીર પટેલ સહિતના ચારેય ડિરેક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ ચારેય ડિરેક્ટરોને ઝડપવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. ઉપરાંત એસઆઇટી કેટલાક શકમંદ પોલીસ કર્મચારીઓને ઝડપી લેવાની દિશામાં કામ કરી રહી છે. 
દરમિયાનમાં પ્રાપ્ત માહિતી અનુસાર બરવાળા લઠ્ઠકાંડમાં પીડિત પરિવારોએ ગાંધીનગરમાં ન્યાય માટે સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો કર્યા હતા. તેમણે આ મુદ્દે રાજ્યપાલને મળવા માટેનો સમય માગ્યો હતો પરંતુ રાજ્યપાલે સમય ન આપ્યો હોવાનો તેમનો આક્ષેપ છે. પીડિત પરિવારોએ બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આ કાંડમાં જવાબદાર પોલીસ અધિકારીઓ અને બૂટલેગરો સામે પણ
કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

© 2022 Saurashtra Trust