કે. રાજેશની ઊઉએ કરી ધરપકડ

પ્રાથમિક પૂછપરછ બાદ આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાશે
 
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 5: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર આઇએએસ અધિકારી કે. રાજેશની ઇડીએ ધરપકડ કરી છે. અગાઉ સીબીઆઇએ તેમને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ત્યાર બાદ તેમને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે ઇડીએ સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કે.રાજેશની ધરપકડ કરી છે. ઇડી હવે કે. રાજેશની પૂછપરછ બાદ આવતીકાલે સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશે.
કાયદેસરની આવક કરતાં વધુ અપ્રમાણસરની મિલકત એકઠી કરવા અંગે ઇડી દ્વારા સસ્પેન્ડેડ આઇએએસ કે.રાજેશ સામે ગુનો નોંધવામા આવ્યો હતો. આ ગુનામાં કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા જ કે. રાજેશના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તદુપરાંત તેનું સુરતમં પણ કનેક્શન સામે આવ્યું હતું. જેમાં તેમના વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ વચેટિયા મારફતે જ પૈસાની લેવડ દેવડ કરવામાં આવતી હોવાનું ખુલ્યુ હતું. 
કે.રાજેશ સામે સરકારી જમીન ગેરકાયદે લાભાર્થીઓના નામે ટ્રાન્સફર કરી આપવાના, સરકારી જમીન પર દબાણ કરનારાઓના નામે જમીન કરી આપવાનો અને આ દસ્તાવેજ નામે કરાવવામાં મોટી રકમ વસૂલવાના તેમજ વન વિસ્તારની અનામત જમીન વિભાગની જાણ કે મંજૂરી વિના જ ભાડે આપી દેવા માટે લાંચ લેવાનો આરોપ છે. ઉપરાંત તે સુરેન્દ્રનગરના કલેક્ટર હતા ત્યારે 271થી વધુ આર્મ્સ લાયસન્સ જારી કર્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યુ છે. તેમાંથી 39 લાયસન્સ હોલ્ડરના નકારાત્મક રિપોર્ટ હોવા છતાં લાયસન્સ જારી કરવાનો પણ તેમની પર આરોપ છે.

© 2022 Saurashtra Trust