સોખડા ગામની શાળામાં દલિત મહિલા દ્વારા બનાવાતું ભોજન વિદ્યાર્થીઓ નથી જમતા!

મધ્યાહન ભોજનના કોન્ટ્રાક્ટરની ફરિયાદ અનુસંધાને તપાસ કમિટી નીમાઈ
મોરબી, તા.5: મોરબીના સોખડા ગામે સરકારી શાળાના વિદ્યાર્થીઓ સરકારના મધ્યાહન ભોજન કાર્યક્રમ હેઠળ પીરસવામાં આવતા ભોજન જમવા માટે બેસતા નથી. કથિત રીતે એક અનુ.જાતિની મહિલા ભોજન રાંધતા હોવાથી સ્કૂલના બાળકો આ ખોરાક ખાતા ન હોવા અંગે સંચાલિકા બહેને અધિકારીઓને ફરિયાદ કરી છે. મહિલા અનુ.જાતિના હોવાથી બાળકો તેમનું રાધેલું ખાતા ન હોવાનું જણાવતા વિવાદ ઉભો થયો હતો. જેથી નાયબ મામલતદારે તાકીદે દોડી જઈને મિટિંગ કરતા વાલીઓએ સુખી સંપન્ન હોવાથી તેમના બાળકો ન જમત હોવાનું જણાવ્યું હતું.
મોરબીના સોખડા ગામે પ્રાથમિક શાળામાં અનુ.જાતિની મહિલા ધારાબેન રમેશભાઈ મકવાણાને થોડા સમય અગાઉ મધ્યાહન ભોજન બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કોન્ટ્રાક્ટ મળતા ધારાબેને મધ્યાહન ભોજન બનાવ્યું હતું. પરંતુ એક પણ વિદ્યાર્થી જમવા બેઠો નહોતો. ફરિયાદ કરનાર ધારાબેન મકવાણાનું કહેવું છે કે, તેઓ એસસી સમુદાયના હોવાને કારણે વિદ્યાર્થીઓના માતા-પિતા નથી ઈચ્છતા કે તેમના બાળકો તેમના દ્વારા બનાવેલો ખોરાક ખાય. ધારાબેને એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેમની પહેલા રસોઈ બનાવવાનું કામ એક ઓબીસી સમુદાયના લોકો પાસે હતું ત્યારે મોટાભાગના શાળાના બાળકો જમવા બેસતા હતા, પરંતુ તેમને કોન્ટ્રાક્ટ મળ્યો છે ત્યારથી આજદિન સુધી બાળકો જમવા બેઠા નથી.
ધારાબેનની ફરિયાદ પરથી વિવાદ સર્જાતા શાળા પ્રશાસન, મામતલદાર અને ગામના લોકો વચ્ચે બે-ત્રણ બેઠકો પણ યોજાઈ હતી. ગઈકાલે મામલતદારની ટીમ અને શિક્ષણ વિભાગની ટીમ શાળાએ પહોંચી તપાસ કરી હતી. ટીમે બાળકોના માતા-પિતા, ગામના સરપંચ સાથે વાત કરી, દરેકને જ્ઞાતિવાદી વલણ ન લેવા જણાવ્યું હતું. જો કે વાલીઓએ કહ્યું હતું કે, મધ્યાહન  ભોજન ખાવું ફરજિયાત નથી. આ બેન જે કહી રહ્યા છે એવો કોઈ મુદ્દો જ નથી. અમે સુખી સંપન્ન પરિવારના હોવાથી અમારા બાળકો જમતા નથી. આ સિવાય બીજું કોઈ કારણ નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે, આ ગંભીર મામલે તપાસ માટે કમિટી નીમી છે અને એનો રિપોર્ટ આવે તે પ્રમાણે કાર્યવાહી થશે.

© 2022 Saurashtra Trust