‘આપ’ ના સુપ્રીમો કેજરીવાલ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

કેજરીવાલ જામનગરમાં વેપારીઓ સાથે સંવાદ અને છોટાઉદેપુરના બોડેલીમાં જનસભા કરશે
અમદાવાદ, તા.પ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ બે દિવસ દરમિયાન જામનગરમાં જન સંવાદ કાર્યક્રમમાં વેપારીઓ સાથે સંવાદ કરશે, જ્યારે છોટાઉદેપુરના બોડેલીમાં જનસભા કરશે.
કેજરીવાલના કાર્યક્રમ અંગે માહિતી આપતા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ આવતીકાલે 6 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે જામનગર એરપોર્ટ પહોંચશે ત્યાંથી જનસંવાદ માટે રવાના થશે. બપોરે 3 કલાકે કેજરીવાલ એક ટાઉન હોલ કાર્યક્રમમાં જામનગરના વેપારીઓ સાથે સંવાદ કરશે અને વેપારીઓની સમસ્યાઓ જાણશે. તેઓ ખાસ કરીને એમએસએમઈ સેક્ટરના વેપારીઓની સમસ્યાઓ જાણશે. આ પછી કેજરીવાલ જામનગરથી વડોદરા જવા રવાના થશે. સાંજે પ વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચશે. બીજા દિવસે 7મી ઓગસ્ટે, અરવિંદ કેજરીવાલ છોટાઉદેપુરના બોડેલી વિસ્તારમાં એક વિશાળ જન સંમેલન કાર્યક્રમમાં ભાગ લેશે ત્યાં તેઓ ગુજરાતની જનતા માટે બીજી વધુ એક નવી ગેરંટી જાહેર કરશે. આ ગેરંટી ગુજરાતના નબળા વર્ગના ગરીબ લોકો માટે મોટી આશાનું કિરણ સાબિત થશે.

© 2022 Saurashtra Trust