ક્રીકમાંથી એક પાકિસ્તાની સહિત પાંચ બોટ ઝડપાઇ સીમા દળે હરામી નાળામાં સફળ ઓપરેશન હાથ ધર્યું

માછીમારીની મોસમના આરંભ સાથે ઘૂસણખોરીમાં વધારો નોંધાયો
ભુજ, તા. 5 : સપ્ટેમ્બર મહિનામાં માછીમારીની સત્તાવાર મોસમના આરંભ સાથે પાકિસ્તાનની માછીમારી ઘૂસણખોરી પણ ધમધમવા લાગી છે.  આજે વહેલી સવારે સીમા સુરક્ષા દળે કુખ્યાત હરામી નાળા વિસ્તારમાંથી પાંચ પાકિસ્તાની માછીમારી બોટ સાથે એક પાકિસ્તાનીને ઝડપી લીધો હતો.  
સીમા સુરક્ષા દળની સત્તાવાર યાદી મુજબ આજે સવારે દળની પેટ્રોલિંગ પાર્ટીને હરામી નાળા વિસ્તારમાં પાકિસ્તાની હિલચાલ કળાઇ હતી. જળ સીમાની ભારતીય બાજુએ માછીમારી કરતી આ પાકિસ્તાની બોટોને ઝડપી લેવા તાબડતોબ ઘેરો ઘલાયો હતો અને ઓપરેશન હાથ ધરાયું હતું. સીમા દળના આ ઓપરેશનમાં પાકિસ્તાની માછીમારો બોટ છોડીને કીચડમાં નાસી ગયા હતા, પણ એક પાકિસ્તાનીને ઝડપી લેવામાં સીમા દળને સફળતા મળી હતી.  ઝડપાયેલી બોટોમાંથી માછીમારીના સાધનો સિવાય કોઇ વાંધાજનક વસ્તુઓ મળી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 
મોડી સાંજે સીમા દળ દ્વારા ઝડપાયેલા પાકિસ્તાની માછીમારની ઓળખ છતી થઇ હતી.  વર્તુળોના જણાવ્યા મુજબ 40 વર્ષની વયનો આ પ્યાર અલી થટ્ટા જિલ્લાના જામપીનો રહેવાસી નીકળ્યો છે. તેને ભુજ લાવીને જેઆઇસીમાં પૂછપરછ હાથ ધરાશે. આ પૂછપરછમાં પ્યાર અલી દ્વારા અપાયેલી વિગતોની ખરાઇ કરાશે.  
આમ તો સપ્ટેમ્બર મહિનાથી માછીમારીની સત્તાવાર મોસમ બેસી જતી હોય છે, પણ હરામી નાળા વિસ્તારમાં ભારતીય માછીમારો પહોંચી શક્તા ન હોવાને લીધે ત્યાં પાકિસ્તાની બોટો સરળતાથી ઘૂસી આવીને માછીમારી કરતા હોય છે. જો કે હવે ચોમસાની અસર ઓસરી ન હોવાથી ક્રીકના પાણી હજી તોફાની છે અને જળ સ્તર પણ વધુ છે. આવામાં સીમા દળની પેટ્રોલિંગ પાર્ટીએ જોખમની પરવાહ કર્યા વગર ઘૂસણખોરને ઝડપી લેવા સતત ચાંપતી નજર રાખી છે.  
માછીમારીની મોસમ બેસવાની સાથે છેલ્લા બે દિવસમાં સાત પાકિસ્તાની બોટ ઝડપાઇ તે બતાવે છે કે, આવનારા દિવસોમાં સરહદ પારથી ઘૂસીને માછીમારી કરવાની પ્રવૃત્તિ વધશે. આ શક્યતાને જોતાં સીમા દળ આવી ઘૂસણખોરીની સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરે એવી અપેક્ષા સંબંધિત વર્તુળો રાખી રહ્યા છે.

© 2022 Saurashtra Trust