મોંઘવારી મુદ્દે સૌરાષ્ટ્રભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

સરકારને અસંવેદનશીલ ગણાવીને સૂત્રોચ્ચાર કરીને પ્રજા વિરોધી નિર્ણયો પાછા ખેચવા માગ કરી : પોલીસે અનેક આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી
રાજકોટ, તા. 5 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીઓ દ્વારા વિરોધ પ્રદર્શન તો સતાધારી પાર્ટી દ્વારા જશ ખાટવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવા ઘઉંના લોટમાં, મધ, ગોળ પેકિંગ અને જીએસટીના કારણે પ્રજાજનો પર અસહ્ય મોંઘવારીનો ભાર વધી રહ્યો હોવાના આક્ષેપ સાથે સરકારને અસંવેદનશીલ ગણાવવામાં આવી હતી. જેથી સૂત્રોચ્ચાર કરીને પ્રજા વિરોધી નિર્ણયો પાછા ખેચવા માગ કરી હતી.
અમરેલી : શહેરમાં કોંગ્રેસના મહિલા કાર્યકરો સહિત શહેર તેમજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તેમજ ટીમ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મસમોટા સરકાર વિરોધી બેનરો, સૂત્રોચ્ચારો અને નારાઓ સાથે કોંગ્રેસ દ્વારા શહેરમાં જબબર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ દર્શાવી રહેલા કોંગી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
જામનગર : જામનગરમાં ગોકુલનગર સર્કલ, જકાત નાકા, આશાપુરા હોટલ પાસે કોંગી આગેવાનો, કાર્યકર્તાઓ પ્લેકાર્ડ દર્શાવી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયે પોલીસે અનેક આગેવાનો, કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિવિધ ચીજવસ્તુઓ ઉપર જીએસટી નાખી અને હવે બાકી રહી ગયું હતું તો ભક્તિના પર્વ સમાન ગરબા ઉપર પણ જીએસટી નાખીને ભાજપ સરકારે લૂંટ મચાવી હોવાના આક્ષેપ સાથે બેનેરો લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ ધરણા કરી સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરી પ્રજા વિરોધી નિર્ણયો પરત ખેંચવા માગ કરી હતી.
સુરેન્દ્રનગર : ભાજપ સરકારની વહીવટી નિષ્ફળતા અને મૂર્ખામીને કારણે સમગ્ર દેશમાં મોંઘવારી અને બેરોજગારીથી લોકોને જીવન જીવવું અસહ્ય થઈ ગયું છે લોકોને પરિવારનું ભરણ પોષણ કરવાના ફાંફા પડી ગયા છે તેવા આક્ષેપ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

© 2022 Saurashtra Trust