શિવસેના કોની ? : ચૂંટણી પંચના નિર્ણય પર સુપ્રીમનો સ્ટે

શિવસેના કોની ? : ચૂંટણી પંચના નિર્ણય પર સુપ્રીમનો સ્ટે
શિંદે-ઠાકરે વચ્ચે કાનૂની જંગ : મામલો બંધારણીય બેંચને સોંપવા અંગે 8 ઓગસ્ટે ફેંસલો

નવી દિલ્હી, તા.4 : મહારાષ્ટ્રમાં રાજકીય બળવો અને તખતો પલટાયા બાદ ‘િશવસેના’ કોની ? તે મુદ્દેઁ શિંદે અને ઠાકરે જૂથ આમને સામને છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને કોર્ટે એક નવા નિર્દેશમાં ચૂંટણી પંચને હાલ કોઈ નિર્ણય લેવા સામે સ્ટે આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યુy છે કે શિંદે જૂથ દ્વારા અસ્સલ શિવસેના હોવાના કરેલા દાવા પર કોઈ નિર્ણય ન લે. મહારાષ્ટ્રના રાજકીય સંગ્રામ સાથે જોડાયેલી તમામ અરજીઓને આગળની સુનાવણી માટે બંધારણીય બેંચને સોંપવો કે નહીં ? તેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ 8 ઓગસ્ટે લેશે. ચૂંટણી પંચમાં 8 ઓગસ્ટે આ મામલે સુનાવણી થવાની હતી જેને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે નવો નિર્દેશ જાહેર કર્યો છે. કોર્ટે કહ્યુ કે મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે એટલે ચૂંટણી પંચ ઉદ્ધવ ઠાકરે જૂથની સુનાવણી ટાળવાની અરજી પર વિચાર કરી શકે છે.
બીજીતરફ શિંદે જૂથે કોર્ટમાં દલીલ રજૂ કરી છે કે તેમના જૂથના ધારાસભ્યોએ પાર્ટી છોડી નથી. તેઓ શિવસેનામાં જ છે. તેમનો અસંતોષ પાર્ટીના જૂના નેતૃત્વ સામે છે. આવી સ્થિતીમાં ધારાસભ્યોને અયોગ્ય સાબિત કરવાનો કોઈ સવાલ જ નથી. વિવિધ દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસ એન.વી.રમન્નાએ સવાલ ઉઠાવ્યો કે આવી સ્થિતીમાં પાર્ટી વ્હીપનો શું અર્થ રહેશે? શું એકવાર ચૂંટાયા બાદ પાર્ટીનો ધારાસભ્ય પર કોઈ નિયંત્રણ રહેતું નથી? આપણે પાર્ટીને સંપૂર્ણ રીતે બેધ્યાન ન કરી શકીએ. તે લોકતંત્ર માટે યોગ્ય નથી. શિંદે જૂથે પુનરોચ્ચાર કર્યો કે તેમણે પાર્ટી છોડી નથી.

© 2022 Saurashtra Trust