ભાજપ સામે ગુજરાતમાં બાથ ભીડવા તૈયાર થયેલા દિલ્હી મુખ્યમંત્રીના સવાલથી અટકળો
નવીદિલ્હી, તા.4: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો પૂરી તાકાતથી લડતની તૈયારીમાં લાગી ગયા છે. ભાજપનો મદાર નિ:સંદેહ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર હોય. બીજીબાજુ આમઆદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ ભાજપ સામે બાથ ભીડવામાં કોઈ જ કસર છોડવા માગતા નથી. આપની સક્રિયતા સામે ગુજરાતમાં કોંગ્રેસ સદંતર ગેરહાજર ભાસે છે ત્યારે કેજરીવાલે સોશિયલ મીડિયાનાં માધ્યમથી ભાજપને એક સવાલ કરીને ગુજરાતમાં ભાજપનાં નેતૃત્વની અટકળો શરૂ થઈ જાય તેવો મમરો મૂકી દીધો છે. કેજરીવાલે ટ્વિટમાં લખ્યું હતું કે, ગુજરાતમાં આ ઝડપથી આગળ ધપી રહ્યો છે અને ભાજપ પણ ગભરાઈ ગયો છે. શું આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ ગુજરાતમાં અમિત શાહને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઘોષિત કરવા જઈ રહ્યો
છે ? શું ભૂપેન્દ્ર પટેલનાં કામથી પણ ભાજપ નારાજ છે ?
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનાં ગૃહરાજ્ય ગુજરાતની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય તે સ્વાભાવિક છે. મોદી અને શાહની જોડીએ ફરી એકવાર અહીં પોતાનો જાદુ દેખાડવા માટે ગુજરાતના પ્રવાસો પણ વધારી દીધા છે. આ મામલે ભાજપ પ્રવકતા યમલ વ્યાસે કહ્યું હતું કે, ભાજપમાં કોઈ મુદ્દો નથી. પ્રજાના કામ અને વિકાસ સાથે ભાજપ આગળ વધી રહ્યો છે. ચૂંટણી આવે એટલે અન્ય પક્ષો મનફાવે તેવા નિવેદનો કરે છે અને તેનાથી કોઈ ફરક પડતો નથી.
શાહ ગુજરાતમાં CM ચહેરો ? કેજરીવાલનો સવાલ
