7 વર્ષમાં ઇંધણના વેરાની કેન્દ્રની કમાણીમાં 186 ટકાનો વધારો !

7 વર્ષમાં ઇંધણના વેરાની કેન્દ્રની કમાણીમાં 186 ટકાનો વધારો !
21-22માં રૂા. 4.92 લાખ કરોડની કમાણી : રાજ્યસભામાં પેટ્રોલિયમ મંત્રીએ આપી માહિતી

નવી દિલ્હી, તા. 4 : પેટ્રોલિયમ પરના વેરાથી મોદી સરકારને ભારે કમાણી થઈ છે. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે 2014-1પમાં  પેટ્રોલિયમમાં વેરા થકી રૂા. 1.72 લાખ કરોડની આવક રળી હતી જે 2021-22માં વધીને રૂા. 4.92 લાખ કરોડ થઈ હતી. આમ, સાત વર્ષમાં સરકારને પેટ્રોલિયમ પરના વેરામાં 186 ટકાનો જંગી વધારો નોંધાયો હતો.
2014માં પેટ્રોલ પર એક્સાઈઝ ડયૂટી રૂા. 9.48 હતી જે 2020માં વધીને રૂા. 32.98 અને રૂા. 31.83 થઈ ગઈ. જો કે, નવેમ્બર 2021થી મે 2022 દરમ્યાન સરકારે પેટ્રોલમાં રૂા. 13 અને ડીઝલમાં રૂા. 16ની એક્સાઈઝ ડયૂટી ઘટાડી હતી.
તેલીએ જણાવ્યું હતું કે, સરકારને 2020-21માં પેટ્રોલિયમ પરના વેરા થકી રૂા. 4.92 લાખ કરોડની આવક થઈ. સાત વર્ષમાં ઈંધણ પરના વેરાની કેન્દ્રની  આવકમાં 186 ટકાનો જ્યારે રાજ્યોની આવકમાં 7પ ટકાનો વધારો નોંધાયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલની કિંમતમાં ઘટાડા વચ્ચે મોદી સરકારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 વચ્ચે 10 વાર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડયૂટીમાં વધારો ઝિંક્યો
હતો ! કોરોનાકાળના આરંભે ક્રૂડતેલની કિંમતમાં મોટા પાયે કડાકો બોલી ગયો ત્યારે સરકારે પેટ્રોલની એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. 13નો અને ડીઝલમાં રૂા. 16નો જંગી વધારો કરી દીધી હતો.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે અગાઉ ખુલાસો કર્યો હતો કે, તેને સાત વર્ષમાં પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડયૂટી થકી રૂા. 14.4 લાખ કરોડની જંગી કમાણી કરી હતી.

© 2022 Saurashtra Trust