રાજકોટમાં 26 સહિત રાજ્યમાં કોરોનાના 572 નવા કેસ

રાજકોટમાં 26 સહિત રાજ્યમાં કોરોનાના 572 નવા કેસ
બે દિવસ કેસ ઘટયા બાદ ફરી ઉછાળો
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા.5 : તાજેતરમાં જ બે દિવસ સુધી કોરોના કેસમાં ઘટાડો થયા બાદ આજે એકાએક વધારો થતાં રાજકોટમાં 26 સહિત કોરોનાના નવા કેસનો આંક રાજ્યમાં 572 પર પહોંચી ગયો કોરોનાના કેસમાં વધારો થવાની સાથે સાજા થવાના દરમાં પણ સતત ઘટાડો થતાં 98.82 ટકા નોંધાયો હતો. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં 22 ટકાનો ઉછાળો આવ્યો છે. તો બીજી બાજુ એક્ટિવ કેસમાં પણ સતત વધારો થતાં આજે 3595 કેસ નોંધાયા છે જ્યારે એક દર્દીની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 10,948 મૃત્યુ નોંધાયા છે. આજે 489 દર્દીઓ સાજા થતા આજ સુધીમાં સાજા થનારા કુલ દર્દીઓની સંખ્યા 12,20,146 પર પહોંચી ગઈ છે.
દરમિયાનમાં આજે જિલ્લા વાર નોંધાયેલા કેસ પર નજર નાખતા જણાય છે કે અમદાવાદમાં સૌથી લધુ 257 કેસ નોંધાયા હતાં જ્યારે સુરતમાં 94, વડોદરામાં 42, ભાવનગરમાં 22, રાજકોટમાં 26, વલસાડમાં 18, નવસારી 16, જામનગરમાં 14, કચ્છમાં 12, ગાંધીનગરમાં 16, મોરબીમાં 9 ભરૂચ અને પાટણમાં 8-8, મહેસાણામાં 7, આણંદ, ખેડામાં 4-4, અમરેલી અને પોરબંદરમાં 3-3, બનાસકાંઠા, ગિર સોમનાથ, તાપીમાં 2-2, જૂનાગઢ, પંચમહાલ, સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા હતા.
જામનગર : જામનગરમાં આજે કોરોના પોઝિટિવના 14 કેસ નોંધાયા છે. જેમાં જામનગર શહેરનાં 13 અને તાલુકા કક્ષાએ 1 કેસનો સમાવેશ થાય છે. જો કે 54 દર્દીઓને આઈસોલેશન કરવામાં આવ્યા છે.
પોરબંદર : છેલ્લા ચાવીસ કલાકમાં પોરબંદર જિલ્લામાં 655 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ત્રણ પોઝિટિવ કેસ જાહેર થયા છે. જે પૈકી પોરબંદરના સલાટવાડાના 34 વર્ષિય પુરુષ અને ખાડી વિસ્તારનાં 24 વર્ષિય યુવાન ઉપરાંત રાણાવાવના મદ્રેસા વિસ્તારનાં 66 વર્ષિય વૃદ્ધાના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.
ભાવનગર : ભાવનગર શહેરમાં આજે બોરડીગેટ, પ્રભુદાસ તળાવ, કાળિયાબીડ, પીરછલ્લા શેરી વિગેરે વિસ્તારોમાં કુલ 22 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે ભાવનગર ગ્રામ્યમાં કેસ નોંધાયો નથી.

© 2022 Saurashtra Trust