એક દિવસમાં સ્પાઈસજેટનાં બે વિમાનની દુર્ઘટના ટળી

એક દિવસમાં સ્પાઈસજેટનાં બે વિમાનની દુર્ઘટના ટળી
- કંડલાથી મુંબઈ જતાં વિમાનનાં વિંડશીલ્ડનાં બહારી ભાગમાં તિરાડ પડી: દિલ્હીથી દુબઈ જતાં વિમાનનું કરાચીમાં તાકીદનું ઉતરાણ: 18 દિવસમાં 7મી ઘટના
 
નવીદિલ્હી, તા.પ: સ્પાઈસજેટનાં વિમાનમાં મુસાફરી કરતાં લોકો માટે આજનો દિવસ ભારે જોખમભર્યો બની ગયો હતો. એક જ દિવસમાં આ એરલાઈનનાં બે વિમાનો દુર્ઘટનાનો શિકાર બનતાં ઉગરી ગયા હતાં. દિલ્હીથી દુબઈ જતાં વિમાનનું યાંત્રિકી ખોટકાનાં કારણે પાક.માં કરાચી ખાતે તાકીદનું ઉતરાણ કરવું પડયું હતું. તો ગુજરાતમાં કંડલાથી મુંબઈ જતાં વિમાનમાં વિંડશીલ્ડનાં બહારી હિસ્સામાં તિરાડ પડી ગઈ હતી. જેનાં કારણે વિમાનનું આપાત લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 17 દિવસોમાં સ્પાઇસ જેટનાં વિમાન સંબંધિત આ સાતમી અનિચ્છનીય ઘટના હતી.
કંડલાથી મુંબઈ જતાં વિમાનમાં બનેલી ઘટના વિશે સ્પાઈસજેટનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, સ્પાઈસજેટ ક્યૂ-400 વિમાન એસજી-3324ની ઉડાન દરમિયાન એફએલ230 ઉપર પી-ટૂ સાઈડમાં વિંડશીલ્ડનાં આઉટર પેનમાં તિરાડ પડી હતી. જેને પગલે વિમાનનું મુંબઈમાં સલામત ઉતરાણ કરાવવામાં આવ્યું હતું.
જ્યારે રાજધાની દિલ્હીથી દુબઈ જઈ રહેલાં એક વિમાનનું કરાચીનાં એરપોર્ટ ઉપર તાકીદનું ઉતરાણ કરાવવાની ફરજ પડી હતી. સ્પાઇસ જેટનું વિમાન એસજી-11 દિલ્હીથી દુબઈ જવા માટે રવાના થયું હતું પણ અધવચ્ચે યાંત્રિકી ખોટકાનાં કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં 1પ0 યાત્રી હતા અને તમામ સુરક્ષિત છે. કરાચીમાં સલામત ઉતરાણ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર ઉતારી લેવામાં આવ્યા હતા.

© 2022 Saurashtra Trust