‘સુપ્રીમ કોર્ટે મર્યાદા ઓળંગી છે’

‘સુપ્રીમ કોર્ટે મર્યાદા ઓળંગી છે’
-નૂપુર અંગે ન્યાયાધીશ પારડીવાલાની ટિપ્પણીઓ સામે પૂર્વ જજો અને અમલદારોનો CJIને પત્ર
નવી દિલ્હી, તા. પ : નૂપુર શર્માને લઈને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ સૂર્યકાન્તની ટિપ્પણીને લઈને અમુક પૂર્વ ન્યાયાધીશો અને અમલદારો નારાજ થયા છે. 1પ નિવૃત્ત જજ, 77 નિવૃત્ત અધિકારી અને 2પ નિવૃત્ત સૈન્ય અધિકારીની સહી સાથે મુખ્ય ન્યાયાધીશ એન.વી. રામન્નાને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી છે અને નૂપુરના મામલામાં અદાલતે તાત્કાલિક સુધારાના પગલાં ઉઠાવવા જોઈએ.
કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ પી.એસ. રવિન્દન, બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ક્ષિતિજ વ્યાસ, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસ.એમ. સોની, રાજસ્થાન હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ આર.એસ. રાઠોડ અને પ્રશાંત અગ્રવાલ, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એસ. એન. ઢીંગરાની સહી સાથેના પત્રમાં જણાવાયું છે કે, ન્યાયતંત્રના
ઈતિહાસમાં આવી કમનસીબ ટિપ્પણી ક્યારેય થઈ નથી. આ સૈથી મોટા લોકતંત્ર પર ન્યાયતંત્રના કબજા સમાન છે. જેને તાત્કાલિક સુધારવાની જરૂર છે. કારણ કે, તેનાથી દેશના લોકતાંત્રિક મૂલ્યો અને સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે. આવી ટિપ્પણીઓને કેસ સાથે કોઈ લેવાદેવા નહોતા. નૂપુર કેસમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ટિપ્પણી ન્યાયિક મૂલ્યોને અનુરૂપ નથી.
પત્રમાં પૂર્વ આઈએએસ અધિકારીઓ આર.એસ. ગોપાલન, એસ. કૃષ્ણ કુમાર, પૂર્વ રાજદૂત નિરંજન દેસાઈ વગેરેની પણ આ પત્રમાં સહી છે.
ઉલ્લેખનીય છે કે, ન્યાયાધીશ પારડીવાલાએ ઉદયપુર અને અમરાવતીની હત્યાઓ માટે ભાજપની સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માને જવાબદાર ઠરાવ્યા હતા. ત્યાર બાદ જજોની ટિપ્પણીઓની ટીકા થઈ રહી છે. ન્યાયાધીશ પારડીવાલાએ ત્યાર બાદ એમ પણ કહ્યું હતું કે, ન્યાયાધીશો પર વ્યક્તિગત પ્રહારો ખતરનાક છે.

© 2022 Saurashtra Trust