‘નૂપુર શર્માનું માથું વાઢીને લાવો તો...’ અજમેર દરગાહના ખાદિમની ઉશ્કેરણી

‘નૂપુર શર્માનું માથું વાઢીને લાવો તો...’ અજમેર દરગાહના ખાદિમની ઉશ્કેરણી
-વીડિયો વાયરલ થતાં પોલીસ એકશનમાં, હિસ્ટ્રીશીટર ફરાર
અજમેર, તા.પ : ભાજપના સસ્પેન્ડેડ પ્રવકતા નૂપુર શર્માના મોહમ્મદ પૈગમ્બર વિશે વિવાદીત નિવેદન અંગે દેશ-દુનિયામાં ભારે હંગામા વચ્ચે અજમેરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં હઝરત ખ્વાજા મોઈનુદીન ચિશ્તીની દરગાહનો એક ખાદિમ એવું કહેતાં સાંભળવા મળે છે કે જે કોઈ નૂપુર શર્માનું માથુ વાઢીને લાવશે, તેને તે પોતાનું મકાન
આપી દેશે.
ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધી કથિત ખાદિમ સલમાન ચિશ્તીની શોધખોળ શરુ કરી છે. તે ફરાર છે અને છેલ્લુ લોકેશન કાશ્મીર મળ્યું છે. અજમેરના વાયરલ વીડિયોને આધારે પોલીસે તપાસ શરુ કરતાં ખુલાસો થયો કે વીડિયોમાં દેખાતો શખસ દરગાહનો ખાદિમ હોવા સાથે હિસ્ટ્રીશીટર પણ છે. જેના પર 13 કેસ નોંધાયેલા છે. વીડિયોમાં આ શખસ રડતાં સૂરમાં કહે છે કે સમય પહેલા જેવો નથી રહ્યો, નહીં તો હું બોલત નહીં. મારી માના  સમ હું તેને જાહેરમાં ગોળી મારી દેત, મારા બાળકોના સમ હું તેને ગોળી મારી દેત. આજે પણ છાતી ઠોકીને કહું છુ કે જે પણ નૂપુર શર્માનું માથુ કાપીને લાવશે તેને હું મારુ ઘર આપી દઈશ અને રસ્તા પર નિકળી જઈશ. આ વચન આપે છે સલમાન. અજમેરના એએસપી સિટી વિકાસ સાંગવાને જણાવ્યુ કે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોને આધારે વિવિધ કલમો હેઠળ કેસ નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
----------
અમરાવતી હત્યાકાંડનો નવો વીડિયો સામે આવ્યો
મુંબઈ, તા.પ : મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં દવાના વેપારી ઉમેશ કોલ્હેની નિર્મમ હત્યા મામલે નવો વીડિયો સામે આવ્યો છે. ર1 જૂનના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે ઉમેશ હુમલાખોરોથી ઘેરાયેલા છે અને છરાથી હુમલા બાદ તે ઢળી પડતાં દેખાય છે.
ઉલ્લેખનીય છે કે નૂપુર શર્મા મામલે વિવાદિત પોસ્ટ વ્હોટસએપ ગ્રુપમાં શેર કર્યા બાદ કથિત રુપે ઉમેશની ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. તેઓ પોતાના મેડિકલ સ્ટોરથી ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે પૂર્વયોજિત કાવતરા હેઠળ બે શખસે પીછો કરી, આંતરી, હત્યા કરી નાખી હતી. તપાસમાં સામે આવ્યું કે હત્યારાઓએ એક દિવસ પહેલા પણ રેકી કરી ઉમેશની હત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ દુકાન વહેલી બંધ કરીને નિકળી ગયા હોવાથી બચી ગયા હતા. આ હત્યા મામલે પોલીસે 7 શખસોની ધરપકડ કરી છે જેમાં મૃતક ઉમેશનો પરિચિત ઈરફાન ખાન પણ સામેલ છે જે ઉમેશની અંતિમ યાત્રામાં જોડાયો હતો.

© 2022 Saurashtra Trust