પ્રણવ અદાણી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીપદે

પ્રણવ અદાણી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીપદે
- સૌરાષ્ટ્ર ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થા અને રાષ્ટ્રભાવનાને સમર્પિત જન્મભૂમિ પત્રો સાથે જોડાવાનો વિશેષાધિકાર અને માન મને મળ્યું : પ્રણવભાઈ અદાણી
 
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ, તા. 5 : અદાણી ગ્રુપના શ્રી પ્રણવભાઈ અદાણી, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના બોર્ડ અૉફ ટ્રસ્ટીઝમાં ટ્રસ્ટી તરીકે જોડાયા છે.
આજે મળેલી ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં અધ્યક્ષ શ્રી દામજીભાઈ ઍન્કરવાલાએ પ્રણવભાઈને સહર્ષ આવકાર આપતાં કહ્યું હતું કે, ‘શ્રી ગૌતમભાઈ અદાણીની ષષ્ટિપૂર્તિ અને તેમના પિતાશ્રીની જન્મશતાબ્દી અવસરે રૂા. સાઠ હજાર કરોડની સખાવતની જાહેરાત કરી છે. હવે પ્રણવભાઈના જ્ઞાન અને અનુભવનો લાભ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને જન્મભૂમિ પત્રોને મળશે. દામજીભાઈએ વધુમાં ઉમેર્યું કે, મેં ગૌતમભાઈને આમંત્રણ આપ્યું ત્યારે એમણે સહર્ષ સ્વીકાર કર્યો અને પરિવારના શ્રી પ્રણવભાઈએ આ માટે સંમતિ આપી’.
આ પ્રસંગે આનંદ વ્યક્ત કરતા શ્રી પ્રણવભાઈએ કહ્યું કે ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થા અને રાષ્ટ્રભાવનાને સમર્પિત જન્મભૂમિ પત્રો સાથે જોડાવાનો વિશેષાધિકાર અને માન મને મળ્યું એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્કિલ-કૌશલ્ય વિકાસના ઉત્કર્ષની યોજનાઓ આત્મનિર્ભર ભારતમાં અદાણી જૂથનું યોગદાન હશે.’ 
આજની બેઠકમાં હાજર ટ્રસ્ટી મંડળના સભ્યોએ શ્રી પ્રણવભાઈનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
શ્રી પ્રણવ અદાણી, અદાણી ગ્રુપના અદાણી ઍન્ટરપ્રાઈઝેસના એગ્રો, અૉઈલ ઍન્ડ ગૅસના મૅનાજિંગ ડિરેક્ટર છે. પ્રણવભાઈ સિટી ગૅસ ડિસ્ટ્રિબ્યુશન, એગ્રો, રિયલ ઍસ્ટેટ અને નૅચરલ રિસોર્સીસ જેવા વૈવિધ્યસભર પોર્ટફોલિયોના વડા પણ છે. તેમણે 1999માં ઉદ્યોગ સાહસિકતાના પ્રવાસનો આરંભ સિંગાપોરના અગ્રણી બિઝનેસ જૂથ વિલ્મર ઈન્ટરનેશનલ લિમિટેડ સાથેના ઉદ્યોગ સાહસના નેતૃત્વ કરવા સાથે કર્યો હતો. અદાણી વિલ્મર લિમિટેડ ભારતની અૉઈલ બ્રાન્ડ ફૉર્ચ્યુનની માલિકી ધરાવે છે તથા ભારતની ખાદ્યતેલ બજારનો 20 ટકા હિસ્સો ધરાવે છે. ભારતની અન્ન સુરક્ષા અને ખેડૂતોના સશક્તીકરણના તેમના દૃષ્ટિકોણના પરિપાક રૂપે અદાણી ગ્રુપે અદાણી એગ્રો લૉજિસ્ટિક્સ અને અદાણી એગ્રી ફ્રૅશ સાથે કૃષિ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. પ્રણવભાઈ આ બંને સાહસોના બોર્ડના ચૅરમૅન છે.
શ્રી પ્રણવભાઈએ અદાણી ગૅસ લિમિટેડના વિચાર બીજને સીંચીને તેને દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની લિસ્ટેડ સિટી ગૅસ ડિસ્ટ્રિબ્યુશન કંપની બનાવી છે. આ કંપની પોતાના વ્યૂહાત્મક જૉઈન્ટ વૅન્ચર ભાગીદાર ઈન્ડિયન અૉઈલ કૉર્પોરેશન અને ફ્રાન્સના ઊર્જા અગ્રણી મૅજરના સહયોગમાં કુલ 38 ક્ષેત્રોમાં સક્રિય છે અને ભારતની વસ્તીના આઠ ટકા લોકોને સેવા આપે છે. તેઓ ગ્રુપના રિયાલ્ટી બિઝનેસ અદાણી રિયાલ્ટીના પણ વડા છે, જેની હાજરી ગુજરાત, મહારાષ્ટ્ર ઉપરાંત એનસીઆરમાં પણ છે. આ ઉપરાંત તેઓ 2009-10માં કૉન્ફેડરેશન અૉફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ)ની ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચૅરમૅનપદે હતા તથા તેની કૃષિ તથા ફાસ્ટ માવિંગ કન્ઝ્યુમર ગુડ્સની નેશનલ કાઉન્સિલના સભ્ય તરીકે પણ સેવા આપી છે.
બૉસ્ટન યુનિવર્સિટીમાંથી બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનમાં બૅચલર અૉફ સાયન્સ થયેલા પ્રણવભાઈ હાવર્ડ બિઝનેસ સ્કૂલના અૉનર્સપ્રેસિડન્ટ મૅનેજમેન્ટ પ્રોગ્રામના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 2009માં તેમને ‘ગ્લૉબોઈલ મૅન અૉફ ધ યર’ એવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. 2018માં તેમને એશિયા વન દ્વારા એશિયાઝ ગ્રૅટેસ્ટ લીડરનું નૉમિનેશન મળ્યું હતું. વર્ષ 2013થી 15 દરમિયાન પ્રતિષ્ઠિત અહેમદાબાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશન (એએમએ)ના સૌથી યુવાન વયના પ્રમુખ હોવાનું માન મેળવ્યું હતું. 

© 2022 Saurashtra Trust