બેંગ્લુરુ, તા. પ : કર્ણાટક હાઇ કોર્ટના જસ્ટિસ એચ.પી.સંદેશે એસીબી (એન્ટિ કરપ્શન બ્યૂરો) અંગે ગંભીર ટિપ્પણી કરતાં તેને ભ્રષ્ટાચારનું કેન્દ્ર ગણાવ્યું હતું. તેમણે એસીબીને કલેક્શન સેન્ટર ગણાવ્યું હતું ત્યાર બાદ બદલી કરાવવાની ધમકી મળતાં તેમણે પ્રતિક્રિયા આપી છે.
જસ્ટિસ સંદેશે કહ્યુ કે ધમકીઓથી ડરતો નથી. હું બિલાડીના ગળે ઘંટડી બાંધવા તૈયાર છું. જજ બન્યા બાદ મેં સંપત્તિ અર્જિત એકઠી કરી નથી. મારુ પદ ચાલ્યુ જાય તો પણ મને કોઈ ફેર પડતો નથી હું એક ખેડૂતનો પુત્ર છું. જસ્ટિસે તાજેતરમાં એક કેસમાં જામીન અરજી પર સુનાવણી કરતાં એસીબી અંગે ટિપ્પણી કરી હતી. તેમણે એસીબીના વકીલને કહ્યુ કે, તમારા એડીજીપી એટલા શક્તિશાળી છે કે તેમણે કોઈના દ્વારા એક અન્ય હાઇ કોર્ટના જસ્ટિસ સાથે વાત કરી. એ જસ્ટિસે મારી સાથે વાત કરી અને મને કહ્યુ કે મારી બદલી થઈ શકે છે. તેમણે બીજા જ્યુડિશિયલ અધિકારીનું ઉદાહરણ આપ્યુ જેમની તાજેતરમાં બદલી થઈ છે. જસ્ટિસ સંદેશે કહયુ કે મારી જજશિપની કિંમત પર હું ન્યાયપાલિકાની સ્વતંત્રતાની રક્ષા કરવા જઈ રહ્યો છું. ભ્રષ્ટાચાર એક કેન્સર સમાન છે જેને ચોથા તબક્કામાં પહોંચતા રોકવો જોઈએ.