સાર્વત્રિક વરસાદ: હવે જોરશોરથી થશે વાવણી

(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.5 : વરસાદના વિલંબને લીધે ખરીફ વાવેતરમાં પાછળ રહી ગયેલા ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદ છેલ્લાં ચારેક દિવસથી વરસી રહ્યો હોવાથી દસેક દિવસમાં સ્થિતિ બદલાઇ જવાની છે. 4 જુલાઇ સુધીના વાવેતરના આંકડા નિરાશાજનક છે પણ મોસમનો મિજાજ જોતા હવે આગોતરા વાવેતરને ભરપુર ફાયદો થશે અને જ્યાં વાવણી નથી થઇ ત્યાં બીજ રોપાશે.
ખેતીવાડી ખાતાએ 4 જુલાઇ સુધીના વાવેતરના આંકડાઓ જાહેર કર્યા છે. એમાં કુલ 30.20 લાખ હેક્ટરમાં વાવેતર થયાનું નોંધ્યું છે. પાછલા વર્ષે આ ગાળામાં 40.53 લાખ હેક્ટર વાવેતર હતું. આમ વાવણી 25 ટકા ઓછી છે. કપાસના વાવેતરમાં ઠીક ઠીક ઘટાડો થયો છે પણ વરસાદના અભાવે વાવેતર ન થઇ શકતા મગફળીનું વાવેતર ખાસ્સું ઓછું જણાય છે.
મગફળી અને કપાસ ગુજરાતના મુખ્ય ખરીફ પાકો છે એટલે તેના કારણે કુલ વિસ્તાર પર તરત અસર થાય છે. કપાસનું વાવેતર અત્યાર સુધીમાં 15.56 લાખ હેક્ટર થઇ ગયું છે. પાછલા વર્ષમાં 16.50 લાખ હેક્ટર હતું. જોકે સામાન્ય કરતા હજુ 60 ટકા જેટલું જ વાવેતર થયું છે. કોરામાં મોટાંભાગે બીજ રોપાઇ ગયા હતા. જોકે વરસાદ પડવાને લીધે હવે નિયમિત વાવેતરમાં વધારો થશે એ જોતા નવા સપ્તાહમાં પ્રગતિ દેખાય તેવી હશે.
મગફળીના વાવેતરમાં આશરે ચાર લાખ હેક્ટર જેટલો ઘટાડો થઇ ગયો છે. અસંખ્ય વિસ્તારોમાં વાવેતર યોગ્ય વરસાદ પડયો ન હતો એ કારણે વિલંબ થયો છે. જોકે હવે ખેડૂતો વાવેતર કરી લેશે. સરકારી આંકડા પ્રમાણે 10.14 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. જે પાછલા વર્ષે આ સમયે 14.50 લાખ હેક્ટર હતી. અત્યાર સુધીમાં 55 ટકા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. 
તલનું વાવેતર ખૂબ જ પાછળ રહી જતા માત્ર 5832 હેક્ટર રહ્યું છે. જે અગાઉના વર્ષમાં આ સમયે 32,424 હેક્ટર હતુ.
અનાજના પાકોમાં ડાંગરનું વાવેતર ગુજરાતમાં 65,589 હેક્ટર સામે 16,718 હેક્ટર રહ્યું છે. બાજરીનું 43690 સામે 17474 હેક્ટરમાં વાવેતર થયું છે. મકાઇનું 40621 હેક્ટરમાં વાવેતર છે, જે પાછલા વર્ષમાં 120721 હેક્ટર રહ્યું હતુ.
કઠોળ પાકોમાં તુવેરનું વાવેતર 39 હજાર હેક્ટરમાં છે, જે પાછલા વર્ષમાં 93,534 હેક્ટર હતુ. મગનું 18,451 સામે 5,018 હેક્ટરમાં વાવેતર છે. મઠનું 271 હેક્ટર અને અડદનું 5,958 હેક્ટરમાં વાવેતર છે. 

© 2022 Saurashtra Trust