રાજકોટમાં પટેલ વિહાર પરોઠા હાઉસના સંચાલકની આત્મહત્યા: આર્થિક ભીંસની શંકા મકાનના હોલમાં ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 5: કોરોના સહિતના કારણે મંદીનો માહોલ ઉભો થયો છે. ત્યારે શહેરમાં પટેલ વિહાર પરોઠા હાઉસના સંચાલક હસમુખભાઇ પરસોત્તમભાઇ પાંચાણીએ આત્મહત્યા કરી લીધી હતી. આર્થિકભીંસના કારણે તેમણે આ પગલું ભર્યાની શંકા વ્યકત કરવામાં આવી છે.
યુનિવર્સિટી રોડ પર ધોળકિયા સ્કૂલ પાસે કૃષ્ણનગરમાં રહેતાં અને ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર પરોઠા હાઉસ ધરાવતાં 65 વર્ષના વૃધ્ધ હસમુખભાઇ પરસોત્તમભાઇ પાંચાણીએ તેના મકાનના હોલમાં ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગેનીજાણ થતાં મહિલા એએસઆઇ ગીતાબહેન પંડયા તેમના મદદનીશ દિગ્વિજય ગઢવી સાથે બનાવ સ્થળે પહોંચી ગયા હતાં અને હસમુખભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરી લેનાર હસમુખભાઇને સંતાનમાં ત્રણ પુત્ર છે. વહેલી સવારે ચારેક વાગ્યાના સુમારે તેમના પત્ની જાગ્યા ત્યારે પતિને રૂમમાં જોયા ન હતાં. આથી પત્ની હોલમાં આવ્યા હતાં. હોલમાં પતિને લટકતાં જોઇને હેબતાઇ ગયા હતાં અને બાદમાં કલ્પાંત કરી મૂકયો હતો. તેના પગલે અન્ય પરિવારજનો પણ જાગી ગયા હતાં. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે હસમુખભાઇને કોઇ તકલીફ ન હતી. હાલમાં આર્થિકભીંસમાં આવી ગયાની શકયતા છે. પરોઠા હાઉસના સંચાલકના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2022 Saurashtra Trust