ચોટીલા ના ઢોકળવાની સીમમાંથી પત્નીની કોહવાયેલી લાશ મળી
ચોટીલા,તા.5 : ચોટીલાનાં ઢોકળવાની સીમમાં હત્યા કરી દાટેલી લાશ હોવાની જાણ થતા નાની મોલડી પોલીસે લાશનો કબજો લઈ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા. મરનાર મહિલા રંજનબેન રાજેભાઇ ઓળકિયા એકાદ મહિના અગાઉ ગુમ હોવાની વિંછીયા પોલીસમાં જાહેરાત થઇ હતી. જે બાબતે છાસીયા ગામનાં યુવતીના પરિવાર અને સામાજિક આગેવાનોએ ધરણા ધરતા પોલીસે તેના પતિની ઉલટ તપાસ કરતા તેણે હત્યા કરી ઢોકળવાની વીડમાં દાટી દીધેલ હોવાની કબૂલાત કરતા નાની મોલડી પોલીસને જાણકરવામાં આવી હતી. પીએસઆઇ વાય. એસ. ચુડાસમા તથા સ્ટાફ દોડી ગયેલ હતો. પોલીસે કોહવાયેલ લાશને બહાર કાઢી એફએસએલ પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે પતિ રાજેશ ભાવાભાઇ ઓળકિયા ને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરેલ છે. ફરિયાદીનાં જણાવ્યા મુજબ રાજેશને તેની સાળી સાથે આડા સંબંધ હતા જેમાં પત્ની આડખીલીરૂપ લાગતા આયોજન કરી વાયરનો ટૂંપો દઇ મૃત્યુને ઘાટ ઉતારી ગુમ થયાનું નાટક કર્યું હતું પરંતું પાપ છાપરે ચડી પોકારે તેમ એક મહિનાથી વધુ સમય બાદ પણ ગુનો છૂપો રહ્યો નહોતો.