ચરખા નજીક ચાલુ એસ.ટી બસમાંથી બાળક નીચે પડી હેમખેમ બચી ગયું !

બાળક હેમખેમ મળી આવતા વાલીનો રોષ આનંદમાં પરિણમ્યો અને એસ.ટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા નનૈયો  ભણી દીધો !
બાબરા, તા.5: રામ રાખે તેને કોણ ચાખે આ સૂત્ર ચરિતાર્થ થતું હોય તેમ બાબરા તાલુકાના ચરખા નજીક મોડી રાત્રી ના એસ.ટી.બસના બાકોરામાંથી છ માસનું શ્રમિક પરિવારનું બાળક ચાલુ બસે પડી જવાના એક કલાક સુધી રોડ મધ્યમાં પડયું રહેવા છતાં અન્ય કોઈ વાહનોની ઇજા વગર જીવિત હાલતમાં રાહદારી ને મળતા શ્રમિક પરિવારમાં આનંદ છવાયો છે જો કે બનાવ અંગે જાણ થતાં પોલીસ સહિત એસ.ટી વિભાગના લોકો દોડી આવ્યાનું અટકળો વચ્ચે બાબરા પોલીસ મથકમાં કે એસ.ટી વિભાગે કોઈ નોંધ જાહેર કરેલ નથી .
મળતી વિગત મુજબ તા.4ની વહેલી સવારે ભુજ તરફથી આવતી અને સાવરકુંડલા તરફ જતી એસ.ટી.બસમાં શ્રમિક પરિવાર બસ અંદર પાછળના ટાયર વાળા સ્થળ ઉપર આવતી સીટમાં બેસી મુસાફરી કરી રહ્યા હતા અને  રાત્રીના અંદાજિત ત્રણ વાગ્યાના સુમારે બસ અંદરના ફ્લોરમાં એસ.ટી તંત્રની બેદરકારી ભરેલું પતરું ખુલ્લું હોવાથી બાળક નિંદરની અવસ્થામાં નીચે ગબડી પડયાની જાણ  માતા પિતાને પણ થઇ ન હતી. બનાવ સ્થળથી 25 કિ.મી. દૂર પહોંચ્યા બાદ માતા પિતા ને જાણ થતાં તેવો પરત બાબરા તરફ આવ્યા હતા આ દરમિયાન રોડ ઉપર મુંઢ ઇજાથી તડપતું અને રોડ ઉપર પડેલું બાળક અમરેલી ના ઇકો વાહન ચાલકની નજરે ચડતા બાબરા સરકારી દવાખાને લાવવામાં આવેલ હતું બાદ પોલીસની મદદથી જિલ્લામાં વાયર લેસ સેટ આધારે જાણ કરવામાં આવી હતી. બાદમાં વાલી સુધી જાણ પહોંચી હતી. બાબરા આવેલ વાલીને તેમનું બાળક સોંપવામાં આવેલ હતું.
આ બનાવ અંગે એસ.ટી તંત્ર અને તેના કર્મચારીઓ ઢાંક પીછોડો કરવા ઇચ્છતા હતા સાથો સાથ બાળકના વાલી પણ પોતાનું બાળક હેમખેમ મળી આવતા એસ.ટી વિભાગને માફ કરી દીધો હોઈ તેમ પોતાનું બાળક વહેલી સવારે પોલીસ અને બાબરા હોસ્પિટલ કર્મી પાસેથી સાંભળી નીકળી ગયાનું જાણવા મળે છે.

© 2022 Saurashtra Trust