જૂનાગઢ સિવિલની ઘોર બેદરકારી જીવિતને મૃત જાહેર કરી દીધો

બેદરકારી સામે આવતા તપાસના આદેશ
જૂનાગઢ, તા.5:  જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાળી જ ચાલતી હોય તેમ જીવિત વ્યક્તિને મૃત જાહેર કરી દીધો હતો પણ મૃત જાહેર કરાયેલ વ્યક્તિ સામે આવતા હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ઈન્ચાર્જ આર.એમ.ઓ.એ તપાસના આદેશ આપ્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગત પ્રમાણે અહીંના દોલતપરામાં રહેતા અશોક જેઠાભાઈ કણસાગરા (ઉ.45) એસિડ પીતા સિવિલ હોસ્પિટલના વોર્ડ નં.502માં દાખલ કરવામાં આવ્યો હતો. તે જ વોર્ડમાં ઈવનગરના તલુસીદાસ મણીલાલ નામના વ્યક્તિને દાખલ કરવામાં આવ્યા હતા. આ એક જ વોર્ડમાં બે દર્દી દાખલ થયાં હતાં.
તેમાં ગત તા.2ના રોજ અશોકનું મૃત્યુ નીપજતા ફરજ ઉપરના સ્ટાફે તેના પોસ્ટમોર્ટમ માટેના કાગળો કરી પી.એમ.રૂમમાં મોકલી દીધો હતો. તેનું પોસ્ટમોર્ટમ પણ કરી નાંખવામાં આવ્યું હતું અને મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખી દેવામાં આવ્યો હતો.
પરંતુ અશોકભાઈના પરિવારજનો રવિવારે ખબર અંતર પૂછવા આવ્યા ત્યારે સ્ટાફે અશોક ભાગી ગયાનું જણાવ્યું હતું તેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. તો બીજી બાજુ જે દર્દી ખરેખર ભાગી ગયેલ તે તુલસીદાસને સ્ટાફે મૃત્યુ પામેલ હોવાનું જણાવી તેના પરિવારને ડેડ બોડી લેવા આવવાનું કહી દીધું હતું. તે અરસામાં તે પોતાના ઘરે જીવિત પહોંચ્યો હતો. જેના કારણે સમગ્ર ઘટના બહાર આવી હતી.
આ મામલે તપાસ કરતા જે વ્યક્તિ મૃત્યુ પામ્યો તે અશોક કણસાગરા હોવાનું અને જીવિત હતો અને ભાગી ગયેલ તે તુલસીદાસ હોવાનું સામે આવ્યું હતું. સ્ટાફની બેદરકારીના કારણે બન્નેના પરિવારોને રઝળપાટ અને માનસિક યાતના વેઠવી પડી હતી. મૃતકના બહેન હંસાબેને જણાવ્યું કે, તેનો ભાઈ મૃત્યુ પામ્યો છતાં ભાગી ગયેલાનું બતાવી સ્ટાફે ઘોર બેદરકારીના દર્શન કરાવ્યા છે. આ અંગે ઈન્ચાર્જ આર.એમ.ઓ. ડો.અતુલ કુબાવતે તપાસના આદેશ આપ્યા છે. 

© 2022 Saurashtra Trust