વિમ્બલ્ડનમાં સાનિયા-પાવિચની જોડી સેમિ ફાઇનલમાં

વિમ્બલ્ડનમાં સાનિયા-પાવિચની જોડી સેમિ ફાઇનલમાં
અનુભવી હાલેપ અંતિમ આઠમાં પહોંચી
લંડન, તા.પ:  ભારતની અનુભવી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેનો સાથીદાર મેટ પાવિચ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનના મિક્સ ડબલ્સના સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે. ભારત-ક્રોએશિયાની જોડીએ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ચોથા ક્રમની જોડી ગ્રેબિયેલા ડાબ્રોવસ્કી અને જોન પીયર્સની જોડીને 6-4, 3-6 અને 7-પથી હાર આપી હતી. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે 3પ વર્ષીય સાનિયા મિર્ઝાની આ આખરી વિમ્બલ્ડન ટૂર્નામેન્ટ છે. તેણી પહેલા જ જાહેર કરી ચૂકી છે કે 2022ની સિઝન બાદ સન્યાસ લઈ લેશે. સાનિયાએ આખરી ગ્રાંડસ્લેમ ખિતાબ 2016માં જીત્યો હતો ત્યારે તે ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા ડબલ્સમાં વિજેતા બની હતી.
વર્ષની ત્રીજી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનમાં મહિલા વિભાગમાં રોમાનિયાની સિમોના હાલેપ એકતરફી મુકાબલામાં ચોથા ક્રમની ખેલાડી પાઉલા બાડોસને 6-1 અને 6-2થી હરાવીને કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. આ સાથે જ હાલેપ વિમ્બલ્ડનમાં પાંચમીવાર કવાર્ટરમાં પહોંચી છે. હાલેપે 2019માં વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો હતો. હાલેપની ટક્કર હવે અમાંડા અનિસિમોવા વિરૂધ્ધ થશે. અમેરિકાની 20મા ક્રમની આ ખેલાડીએ પદાર્પણ કરી રહેલી ફ્રાંસની ખેલાડી હાર્મોની ટેનને 6-2 અને 6-3થી હાર આપી હતી. હર્મોનીએ પહેલા રાઉન્ડમાં સ્ટાર સેરેના વિલિયમ્સની હાર આપીને સનસનાટી મચાવી હતી. અન્ય એક મેચમાં અજલા ટોમલાનોવિચએ એજિલ કર્નેટને 4-6, 6-4 અને 6-3થી હાર આપીને અંતિમ આઠમાં જગ્યા બનાવી છે. જ્યાં તેની ટક્કર અલેના રિબાકિના સામે થશે. 17મા ક્રમની રિબાકિના પેટ્રા માર્ટિને 7-પ અને 6-3થી હાર આપીને કવાર્ટરમાં પહોંચી છે.

© 2022 Saurashtra Trust