ટીમ ઇન્ડિયાની શરમજનક હાર : રેકોર્ડ જીત સાથે ઇંગ્લેન્ડે 2-2થી શ્રેણી ડ્રો કરી

ટીમ ઇન્ડિયાની શરમજનક હાર : રેકોર્ડ જીત સાથે ઇંગ્લેન્ડે 2-2થી શ્રેણી ડ્રો કરી
બર્મિંગહામ, તા.પ: ટીમ ઇન્ડિયાનું ઇંગ્લેન્ડની ધરતી પર 1પ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી વિજયનું સપનું ચકનાચૂર થયું છે. એજબેસ્ટન ટેસ્ટમાં ઇંગ્લેન્ડે આક્રમક અંદાજમાં ટીમ ઇન્ડિયાને 7 વિકેટે હાર આપીને પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો કરી છે. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા જો રૂટ (142 અણનમ) અને જોની બેયરસ્ટો (114 અણનમ)ની સદી તથા બન્ને વચ્ચેની 269 રનની અતૂટ ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે રેકોર્ડબ્રેક 378 રનનો ટાર્ગેટ 3 વિકેટ ગુમાવીને ફકત 76.4 ઓવરમાં જ પ્રતિ ઓવર 4.93ની સરેરાશથી હાંસલ કરી લીધો હતો. આ પહેલો મોકો છે કે ભારતીય ટીમે વિરોધી ટીમને 3પ0થી વધુનો વિજય લક્ષ્યાંક આપ્યો હોય છતાં અંતે હાર સહન કરવી પડી હોય.
ખાસ વાત એ રહી હતી કે ઇંગ્લેન્ડે આજે 3 વિકેટે 2પ9 રનથી તેનો બીજો દાવ આગળ વધાર્યોં હતો. પાંચમા અને અંતિમ ટેસ્ટના આખરી દિવસે ભારત પાસે વાપસીની તક હતી, પણ રૂટ-બેયરસ્ટોની જોડીએ વન ડે સ્ટાઇલમાં બેટિંગ કરીને ભારતીય બોલિંગ-ફિલ્ડીંગ છિન્નભિન્ન કરી દીધી હતી. જીત માટે ખૂટતા 119 રન ઇંગ્લેન્ડે આજે લંચ પહેલા જ ફકત 19.4 ઓવરમાં જ હાંસલ કરી લીધા હતા. ભારત તરફથી બુમરાહ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો. તેના નામે શ્રેણીમાં 23 વિકેટ રહી છે. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો છે. બેયરસ્ટો પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયો છે. તેણે બન્ને દાવમાં સદી ફટકારી છે.
મેચના ત્રણ દિવસ સુધી મેચ ભારતની મુઠ્ઠીમાં હતો, પણ બાદમાં ઇંગ્લેન્ડે અદભૂત વાપસી કરીને યાદગાર વિજય પ્રાપ્ત કર્યોં હતો.  રૂટે તેની કેરિયરની 28મી સદી ફટકારી હતી. તો બેયરસ્ટોએ પાછલા ચાર મેચમાં તેની ચોથી સદી ફટકારી હતી. રૂટ 173 દડામાં 19 ચોક્કા અને 1 છક્કાથી 142 અને બેયરસ્ટો 14પ દડામાં 1પ ચોક્કા-1 છક્કાથી 114 રને અણનમ રહ્યા હતા. આ જોડીએ ભારતના મજબૂત બોલિંગ આક્રમણના નતમસ્કત કરી દીધું હતું. ઇંગ્લેન્ડ માટે ચોથા દિવસે એલેકસ લિસ (પ6) અને ઝેક ક્રાઉલી (46) વચ્ચેની પહેલી વિકેટની 107 રનની ભાગીદારી પણ નિર્ણાયક બની રહી હતી.  ભારત તરફથી બુમરાહને ફકત બે વિકેટ મળી હતી.
2021માં આ શ્રેણી શરૂ થઇ હતી. કોરોનાને લીધે શ્રેણી સ્થગિત કરાઇ ત્યારે ભારતીય ટીમ 2-1થી આગળ હતી અને 2007 બાદ ઇંગ્લેન્ડમાં પહેલીવાર શ્રેણી જીતની તક હતી, પણ વિરાટ કોહલી સહિતના સ્ટાર ખેલાડીઓની નિષ્ફળતાને લીધે શ્રેણી ડ્રોના પરિણામથી સંતોષ માનવો પડયો છે.

© 2022 Saurashtra Trust