નવી શ્રમ સંહિતા: 23 રાજ્ય રાજી, બાકીની વાટ

નવી શ્રમ સંહિતા: 23 રાજ્ય રાજી, બાકીની વાટ
1 જુલાઈથી લાગુ કરવાની સરકારની યોજના કેટલાક રાજ્યોની અનિર્ણાયકતાનાં કારણે અટકી
નવીદિલ્હી,તા.પ: સપ્તાહમાં કામનાં 4 દિવસ સહિતની અનેક મોટી વ્યવસ્થાઓ ધરાવતી શ્રમ સંહિતા એટલે કે લેબર કોડ બધા જ રાજ્યો દ્વારા એકસાથે લાગુ કરવામાં આવે તેવું કેન્દ્ર સરકાર ઈચ્છે છે. સરકાર 1 જુલાઈથી લેબર કોડ લાગુ કરવાં ધારતી હતી. તેનાં મુસદ્દાને 23 રાજ્યો તો અપનાવી પણ ચૂક્યા છે. જો કે કેટલાક રાજ્યોનાં કારણે તે ગૂંચવણમાં પડી ગયું છે.
નવા લેબર કોડમાં નોકરિયાતો માટે ચાર ધરમૂળથી પરિવર્તન કરવામાં આવે છે. જેમાં સપ્તાહમાં કામનાં દિવસો ઉપરાંત કામનાં કલાકો અને હાથમાં આવતાં પગાર સહિતની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. નવો લેબર કોડ વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધ અને વ્યવસાયિક સુરક્ષા સાથે જોડાયેલો છે.
ઉલ્લેખનીય છે કે નવા લેબર કોડમાં અઠવાડિયામાં 3 દિવસ રજાની જોગવાઈ છે. જો કે તેની સામે કામનાં દૈનિક કલાકોમાં વધારો થાય છે. 8-9 કલાકને બદલે તેમાં 12 કલાક કામની વ્યવસ્થા છે. અઠવાડિયામાં કર્મચારીએ કુલ મળીને 48 કલાક કામ કરવાનું રહે છે. આ ઉપરાંત કર્મચારીનાં હાથમાં આવતું વેતન તેમાં ઘટી જાય છે. લેબર કોડ અનુસાર કર્મચારીનો મૂળ પગાર તેનાં કુલ પગારનાં અડધા કે તેનાથી વધુ હોવો જોઈએ. ઉપરાંત પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીનું યોગદાન પણ વધી જાય છે.

© 2022 Saurashtra Trust