સંકર રૂમાં કડાકો બોલી જતા ગાંસડીનો ભાવ 1 લાખની અંદર

સંકર રૂમાં કડાકો બોલી જતા ગાંસડીનો ભાવ 1 લાખની અંદર
ન્યૂયોર્કમાં ભાવ ગબડવા લાગતા ભારતીય બજારમાં કડાકા: કપાસ પણ મણે રૂ. 2400 સુધી નીચે આવી ગયો
રાજકોટ, તા.23(ફૂલછાબ ન્યૂઝ) રૂના ભાવમાં લાગેલી તેજીની આગ ઠરવા લાગી છે. ગયા મહિને રૂની ગાંસડી ખાંડીએ સડસડાટ ગતિએ વધીને રૂ. 1.08 લાખ (350 કિલો) સુધી પહોંચી ગઇ હતી એમાં એકાએક ભાવ તૂટવા લાગતા હવે રૂ. 96,000-97500ના ભાવ થઇ ગયા છે. પખવાડિયામાં જ ગાંસડી રૂ. 10,500 જેટલી ઘટી જતા રૂ બજારમાં હાહાકાર મચી ગયો છે.
રૂના વેપારીઓ કહે છે, તેજી ન્યૂયોર્ક વાયદાને આભારી હતી એ જ રીતે મંદી પણ તેની અસરથી જ થઇ છે. સૌરાષ્ટ્ર જિનર્સ એસોસિયેશનના પ્રમુખ અરાવિંદભાઇ પટેલ કહે છેકે, રૂના ભાવમાં ગાબડાં પડયા છે એનું કારણ વિદેશી બજારમાં આવેલી મંદીનું છે. ન્યૂયોર્કની અસરથી એમસીએક્સમાં ત્રણ દિવસથી મોટાં કડાકા બોલી ગયા છે અને હાજરમાં જે સ્ટોકિસ્ટો કે જિનો પાસે રૂ પડયું છે તેમણે પણ ભાવ તોડવા પડી રહ્યા છે.
ન્યૂયોર્કમાં કોટન વાયદો તેજીમાં એક તબક્કે 154 સેન્ટ સુધી ઉંચકાયો હતો. જોકે હવે તે ઘટીને ઓક્ટોબરમાં 107 સેન્ટ સુધી આવી ગયો છે અને કેશ માર્કેટમાં 122-123 સેન્ટના ભાવ હતા. ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 104 સેન્ટ સુધી તૂટી ચૂક્યો છે. એમસીએક્સ વાયદો પણ રૂ.40 હજારની નજીક જઇ આવ્યો છે. અલબત્ત હવે કપાસનો જથ્થો પૂરો થવા આવ્યો હોવાથી કપાસમાં મંદીની અસર ઓછી છે. માર્કેટ યાર્ડોમાં સૌરાષ્ટ્રભરમાં માંડ 10-12 હજાર મણની આવક થાય છે. કપાસનો ભાવ સરેરાશ રૂ. 1900-2475 સુધી પહોંચી ગયો છે. કપાસનો ભાવ એક તબક્કે રૂ. 2800 સુધી ગયો હતો. એ જોતા રૂ. 400 જેટલો ઘટાડો આવ્યો છે. છતાં રૂની ગાંસડી જેટલો ઘટાડો નથી.
કપાસના વાવેતરનો સમય ચાલી રહ્યો છે પરંતુ વરસાદ ખેંચાઇ જતા ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. ગુજરાતમાં આશરે સાતેક લાખ હેક્ટર સુધી વાવેતર પહોંચ્યું છે. જોકે એમાંથી મોટાંભાગનું આગોતરું વાવેતર છે. પાણીની સગવડ નથી એવા ખેડૂતો વરસાદની રાહે બેઠેલા છે. અલબત્ત જૂનના અંત સુધીમાં વાવણીલાયક સારો વરસાદ પડી જાય તો કપાસના વાવેતર વધશે એમાં બેમત નથી. આ વર્ષે કપાસનો વિસ્તાર 20 ટકા વધવાની ધારણા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer