સૌરાષ્ટ્રમાં ચોમાસું જામ્યું: માંગરોળના બામણવાડામાં અનરાધાર 5.5 ઇંચ

સૌરાષ્ટ્રમાં ચોમાસું જામ્યું: માંગરોળના બામણવાડામાં અનરાધાર 5.5 ઇંચ
માણાવદર અને ખાંભામાં 3, સાવરકુંડલા અને રાણાવાવમાં 2, ડોળાસા અને માધવપુરમાં 1.5, પોરબંદર, મહુવા અને કુતીયાણામાં 1 ઇંચ વરસાદ
 
રાજકોટ તા.23: (ફૂલછાબ ન્યુઝ) સૌરાષ્ટ્રમાં ચોમાસું ધીમે ધીમે જામવા લાગ્યું છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં શુક્ર અને શનિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, પોરબંદર પંથકમાં આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. માંગરોળના બામણવાડા અને આજુબાજુના ગામમાં અનરાધાર 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વળી માણાવદર અને ખાંભામાં ધોધમાર 3 ઇંચ જેટલો વરસાદ વરસતા નદીમાં નવા નીરની આવક થઇ છે. તેમજ ખાંભાની ધાતરવડી નદીમાં પૂર અને શંત્રુંજી નદીમાં પાણીની આવક થઇ છે. જયારે સાવરકુંડલા અને રાણાવાવમાં 2, ડોળાસા અને માધપુરમાં 1.5 તથા પોરબંદર, મહુવા અને કુતીયાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ઘણી જગ્યાએ વીજળી પડવાના બનવા બન્યા છે. જેમાં કુતીયાણા પંથકમાં વીજળી પડતા 4 પશુના મોત થયા છે તેમજ ગમા વિસ્તારમાં વિજળી પડવાના કારણે અંધારપટ છવાયો છે. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.
માંગરોળ: માંગરોળમાં બપોરે વાતાવરણ પલટાતા કાળા ડિબાંગ આકાશ અને ગાજવીજ થતા વરસાદ તૂટી પડશે એવું જણાતું હતું. પરંતુ ઝાપટું જ વરસતા આશા ઠગારી નિવડી હતી. દરમ્યાન શીલ નજીકના બામણવાડા તેમજ નજીકના ગામોમાં આજે બપોરે દોઢેક વાગ્યે તેજ પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદ વરસતા એક કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ વધુ બે ઈંચ પાણી પડતા નાળા, વોંકળા છલકાઈ ગયા હતા. ભારે પવનને લીધે ગામોને જોડતા રસ્તાઓ પર સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હતા. જેથી કલાકો સુધી વાહનો થંભી ગયા હતા.
ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવામાં એક ઈંચ વરસાદ પડયો છે. જ્યારે તળાજામાં અડધો ઈંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં પાલીતાણા, જેસર અને ગારિયાધારમાં છૂટોછવાયો વરસાદ પડયો છે.
માણાવદર: શહેરમાં ભારે ઉકળાટ ગરમીથી ત્રસ્ત નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે આજે પ્રચંડ વીજળીના લબકારા અને કડાકા-ભડાકા સાથે વીજળીના પ્રચંડ અવાજે શહેરને ધ્રુજાવી દીધું હતું સાથે અનરાધાર વરસાદ રૌદ્ર સ્વરૂપે 3  ઈંચ
વરસાદ પડયો હતો. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેમાં ભાજપ શાસિત પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી 2 મહિના પહેલા કરવાના બદલે ચોમાસા ટાણે ડિડક કરી ફોટો પડાવી  લીધા પરંતુ સાચી કામગીરી થઈ નથી. શહેરના ત્રણ ત્રણ સ્થળે વીજળી ત્રાટકી હતી જેમાં 11 કે.વી. ગૈતમનગર ટીસી ઉપર (2) આશા પાન પાસે મહાદેવીયા રોડ ટીસી બંને 100 કેવીના ટીસી ઉપર વીજળી પડી (3) 11 કે.વી.નૂતન ફીડર એબીસી કેબલ ઉપર પડતા કેબલ બળી ગયા હતા.
ખાંભા: ખાંભામાં અઢી તથા ગ્રામ્યમાં 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. ખાંભાની ધાતરવડી નદી પ્રથમ વાર પુર આવ્યું છે. ધોધમાર વરસાદથી ગામડાઓના ચેકડેમો છલકાયા છે. રાયડી ગામની સ્થાનિક નદીમાં ધોડાપુર આવ્યું.
પોરબંદર: પોરબંદર જિલ્લામાં સવારથી ઉકળાટ અને બફારા જેવા વાતાવરણ બાદ બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. સાંજે છ વાગ્યા સુધીમાં પોરબંદર શહેરમાં 28 મી.મી, કુતિયાણામાં 29 મી.મી. જ્યારે રાણાવાવમાં 54 મી.મી. વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હોવાનું તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરાએ જણાવ્યું હતું. કુતિયાણાના ટીંબીનેશમાં રહેતા સુકાભાઈ ખીમાભાઈ ભારાઈની માલિકીની બે ભેંસ પર વીજળી પડતા બંનેના મોત નીપજ્યા હતા એ સિવાય ભોદ ગામે વીજળી પડવાના કારણે એક બળદ તથા રાણાકંડોરણા ગામે પણ એક ભેંસનું મોત નીપજ્યું હતું.
સાવરકુંડલા: સાવરકુંડલા અને તાલુકામાં દરેક ગામડાઓમાં વહેલી સવારના 5 થી અચાનક હવામાનામાં પલ્ટો આવતા પવન અને ગાજવીજ સાથે મેધરાજા વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. નાવલી નદીમાં ગોઠણ ડૂબ પાણી આવેલ. આજે એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોરદાર પવન સાથે વરસાદથી મંગલમ સોસાયટીના ધરોમાં પાણી ભરાઈ જતા રહીશો હેરાન પરેશાન થાય છે. પાણી ન ભરાય તે માટે યોગ્ય કરવા નગરપાલિકામાં રજુઆત કરેલ છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં ગત રાત્રિથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક નદી નાળાઓમાં પાણીની ભારે આવક જોવા મળી હતી. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પાણીની ભારે આવક જોવા મળી હતી. ધોધમાર વરસાદથી આવેલા પૂરને લીધે ધોબાથી ઠાંસા જવાના પુલ પર શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા હતા. પૂરને કારણે થોડીવાર માટે રસ્તો બંધ થયો હતો. કુંકાવાવ પંથકમાં પણ મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદને કારણે કુંકાવાવના બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ મેઈન બજારો પાણી પાણી થઈ ગયા હતા.
ડોળાસા: ડોળાસા ગામે આજે સવારના 7 થી 10 દરમ્યાન વરસાદનું વાતાવરણ રહ્યું હતું. આ દરમ્યાન 25 મી.મી. અને ફરી સાંજે ચાર થી પાંચ વાગ્યા વચ્ચે ઝાપટું આવ્યું હતું. તેમાં 7 મી.મી. વરસાદ નોંધાયો છે. આમ આજનો કુલ 32 મી.મી. વરસાદ થયો છે.
માધવપુર: માધવપુરમાં બપોરે 1.45 આસપાસ પવન સાથે જોરદાર વરસાદનું આગમન થતા જ એક કલાક સુધી વરસાદ વરસ્યો હતો અને સિઝનનો પહેલો વરસાદ 1.5 ઈંચ જેટલો નોંધાયો છે. આત્રોલીથી કેશોદ તરફ જતા રસ્તા ઉપર ભારે પવન અને વરસાદના કારણે અલગ અલગ જગ્યાએ વૃક્ષ પડી જતા રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં સવારથી અસહ્ય ઉકળાટ બાદ આકાશમાં મેધાવી માહોલ વચ્ચે ભેંસાણમાં અડધો ઈંચ તેમજ જિલ્લામાં અન્યત્ર હળવાથી ભારે ઝાપટા પડયા હતા.
જામકંડોરણા: જામકંડોરણામાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. બપોરબાદ ધીમીધારે પંદર મીનીટ સુધી વરસાદી ઝાપટું પડયું હતું. જે 4 મી.મી. વરસાદ નોંધાયો હતો.
માળીયા મિયાણા: માળીયામિયાણાના સુલતાનપુર અણીયારી ચોકડી જેતપર સહીતના વિસ્તારમાં મેધરાજાએ તોફાની પવન સાથે ઝાપટા વરસાવ્યા હતા. ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
તળાજા: ગઈકાલે આદ્રા નક્ષત્રના પ્રારંભ બાદ રાત્રીના ત્રણેક વાગ્યે તળાજા સહિત સમગ્ર પંથકમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. પવન, વાદળોના ગડગડાટ સાથે મેધરાજે એન્ટ્રી કરી હતી. ભદ્રાવળ નેશિયા, દિહોર, નેસવડ વિસ્તારમાં સારો વરસાદ પડતા ખેડૂતોએ વાવણીયા જોડયા હતા. તળાજા ફ્લડ કંટ્રોલમાં 11 મી.મી.વરસાદ નોંધાયો હોવાનું ફ્લડ અધિકારી મોરીએ જણાવ્યું હતું.
ફલ્લા: જામનગર તાલુકાના ફલ્લા ગામે આજે સાંજે પાંચ કલાકે જોરદાર પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું હતું અને અર્ધો કલાકમાં 1 ઈંચ વરસાદ વરસી ગયો હતો.
મોડાસા: શામળાજી પંથકમાં ગુરૂવારે બપોરના સુમારે વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો ઠેર ઠેર વરસાદી ઝાપટા પડયા હતા. મોટા કંથારીયા ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અસહ્ય બફારા અને ગરમીથી લોકોએ રાહત અનુભવી હતી જો કે હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડુતો ચિંતિત બન્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer