રશિયામાં ભારતીય સ્ટોર્સ ખોલવા ઉપર વાતચીત જારી: પુતિને કહ્યંy, બ્રિક્સ દેશોનાં ચલણના આધારે આંતરરાષ્ટ્રીય મુદ્રા ઉપર પણ વિચાર
નવી દિલ્હી, તા. 23: ચીનની મેજબાનીમાં બે દિવસીય બ્રિક્સ દેશના સંમેલનનો આગાઝ થઈ ચૂક્યો છે. વર્ચ્યુઅલી થઈ રહેલી બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને એક મોટું નિવેદન આપ્યું છે. પુતિને કહ્યું છે કે રશિયામાં ભારતીય સ્ટોર્સ ખોલવાને લઈને વાતચીતનો દોર ચાલી રહ્યો છે. વધુમા પુતિને કહ્યું હતું કે વર્તમાન સમયમાં બ્રિક્સ દેશોના ચલણના આધારે એક આંતરરાષ્ટ્રીય ચલણ બનાવવાની સંભાવના પણ શોધવામાં આવી રહી છે.
બ્રિક્સ સંમેલનમાં પુતિને કહ્યું હતું કે, બ્રિક્સ દેશો અને રશિયાના કારોબારી સમુદાયો વચ્ચેનો સંપર્ક વધ્યો છે. રશિયામાં ભારતીય સ્ટોર્સ ખોલવાને લઈને વાતચીત ચાલી રહી છે. જો કે પુતિને સ્પષ્ટતા કરી નહોતી કે ભારતની કઈ કંપનીના સ્ટોર્સની ચેન ખૂલશે. પુતિને કહ્યું હતું કે, 2022ના શરૂઆતી ત્રણ મહિનામાં રશિયા અને બ્રિક્સ દેશો વચ્ચે વેપાર 38 ટકા વધ્યો છે. રશિયા અને બ્રિક્સ વચ્ચેનો વેપાર વધીને 45 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. રશિયા પાસેથી વધારે માત્રામાં તેલ ખરીદવાના ભારતના નિર્ણયથી અમેરિકા સહિતના પશ્ચિમી દેશો સાથેના સંબંધ ઉપર અસર પડી છે. ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદીના નિર્ણયનો બચાવ પણ કર્યો છે. ભારતના કહેવા પ્રમાણે પ્રતિબંધ છતાં પણ યુરોપ રશિયા પાસેથી ક્રૂડ અને ગેસની આયાત કરી રહ્યું છે.
રશિયા બ્રિક્સ દેશોને નોંધપાત્ર પ્રમાણમાં ખાતર પણ નિકાસ કરે છે. પુતિનના કહેવા પ્રમાણે રશિયાની આઇટી કંપનીઓ ભારત અને દક્ષિણ આફ્રિકામાં ગતિવિધિ વધારી રહી છે. બ્રિક્સ દેશો સાથે મળીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક વૈકલ્પિક મિકેનિઝમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. રશિયાના આર્થિક મેસેજિંગ સિસ્ટમના બ્રિક્સ દેશો સાથે ગઠબંધન ઉપર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે તેમજ બ્રિક્સ દેશોના આધારે એક આંતરરાષ્ટ્રીય મુદ્રા બનાવવાની સંભાવના ઉપર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
મુશ્કેલીમાં ભારતે આપ્યો સાથ: હવે પુતિનની મોટી ઓફર
