મુર્મુ રાષ્ટ્રપતિ પદે નિશ્ચિત : 5.5 લાખથી વધારે મત મળશે

મુર્મુ રાષ્ટ્રપતિ પદે નિશ્ચિત : 5.5 લાખથી વધારે મત મળશે
બીજેડીએ આપ્યું સમર્થન : વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ કહ્યું, રબર સ્ટેમ્બ રાષ્ટ્રપતિની જરૂર નથી
નવી દિલ્હી, તા. 23 : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીનું સમર્થન મળ્યા બાદ એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સરળ બની ગયો છે. આ પૂરા ઘટનાક્રમ મુદ્દે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ કહ્યું હતું કે, આ એક વિચારધારાની લડાઈ છે અને દેશને રબર સ્ટેમ્બ રાષ્ટ્રપતિની જરૂર નથી.
નવીન પટનાયકના પક્ષનું સમર્થન મળવાની સાથે જ ઓરિસ્સાના સંથાલ સમૂદાયથી આવતા મુર્મૂ પાસે 52 ટકા મત એટલે કે 567000 મત થયા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ 10,86,431 મત છે. મુર્મૂને મળનારા સંભવિત મતમાં 3,08,000 મત ભાજપના અને સહયોગી સાંસદોના છે. જ્યારે બીજેડી પાસે અંદાજીત 32000 મત છે. જે કુલ મતના 2.9 ટકા જેટલા છે.
બીજેડી અધ્યક્ષ અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્ય વિધાનસભાના તમામ સભ્યોને અનુરોધ કર્યો હતો કે 18 જુલાઈના રોજ થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 64 વર્ષિય મુર્મૂનો સાથ આપવામાં આવે. ઈટાલીની યાત્રાએ ગયેલા પટનાયકે મુર્મૂને ઓરિસ્સાની પુત્રી ગણાવતા સમર્થનની અપીલ કરી હતી.
જ્યારે બુધવારે સવારે ભુવનેશ્વર રવાના થતા પહેલા મુર્મૂએ ઓરિસ્સાના મયુરભંજ જીલ્લાના આદીવાસી વિસ્તાર રાયરંગપુરમાં શિવમંદિરમાં સાફ સફાઈ કરી હતી. ઝારખંડના રાજ્યપાલ પદેથી ઓગષ્ટ 2021મા સેવાનિવૃત થયા બાદથી મંદિરમાં સાફસફાઈ મુર્મૂની દિનચર્યાનો હિસ્સો છે. ઉલ્લેખનિય છે કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે રાત્રે એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની ઘોષણા કરી હતી અને ત્યારથી મુર્મૂને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. આ મામલે યશંવત સિન્હાએ કહ્યું હતું કે, તેઓ રાષ્ટ્રપતિ ભવનની દોડમાં દાવેદાર દ્રૌપદી મુર્મૂનું ખુબ જ સન્માન કરે છે. આ મુકાબલો બે વ્યક્તિ વચ્ચેનો નથી પણ વિચારધારાનો છે. સિન્હાએ મુર્મૂ માટે ચૂંટણીમાં સારા પ્રદર્શનની પ્રાર્થના પણ કરી હતી. યશવંત સિન્હાએ ભાજપ છોડીને ગયા વર્ષે ટીએમસીમાં જોડાયા હતા.
--------
રાષ્ટ્રપતિ ચૂંટણી : મોદીને મળ્યા મુર્મુ, આજે ઉમેદવારી
 આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 23 : એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. 18મી જુલાઈએ યોજાનારી ચૂંટણી માટે તેઓ આવતી કાલે પોતાની ઉમેદવારી નોંધાવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તેમના પહેલા પ્રસ્તાવક હશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું. ભાજપ દ્વારા નામાંકન પત્રના ચાર સેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, બીજુ જનતા દળ પાર્ટી (બીજેડી)એ એઁમાંથી એક પર હસ્તાક્ષર કરવાનું સ્વીકાર્યું છે. વડા પ્રધાને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પદ માટે  દ્રૌપદી મુર્મુની ઉમેદવારીની આખા દેશમાં, સમાજના દરેક વર્ગ તરફથી સરાહના કરવામાં આવી રહી છે. મૂળભૂત સમસ્યાઓ અંગે તેમની સમજ અને ભારતના વિકાસ માટેનું તેમનું વિઝન ઉત્કૃષ્ટ છે. સમાજની સેવા માટે અને ગરીબોને સશક્ત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરવા માટે તેમણે દ્રૌપદી મુર્મુની પ્રશંસા કરી હતી. દ્રૌપદી મુર્મુ આપણા દેશની એક મહાન રાષ્ટ્રપતિ બનશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત ર્ક્યો હતો.
ભુવનેશ્વરથી દિલ્હીની ફ્લાઇટમાં ચડતાં પહેલાં ઓડિશાના આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુએ તમામનો આભાર માન્યો હતો અને ચૂંટણી માટે સહયોગ માગ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ તમામ સાંસદોને મળશે અને તેમનો સહયોગ માગશે. ભાજપના નેતાઓ મનોજ તિવારી, અર્જુન મુંડા, અર્જુન રામ મેઘવાળ અને આદેશ ગુપ્તાએ તેમનું દિલ્હી ઍરપોર્ટ પર સ્વાગત ર્ક્યું હતું. દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં ઓડિશા ભવનમાં રહેશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer