અઘાડી સરકાર ઘડી બે ઘડી

અઘાડી સરકાર ઘડી બે ઘડી
શિંદેનું શક્તિ પ્રદર્શન અને ભાજપ તરફ ઢળવાનો સંકેત : રાઉતે દેખાડી શિવસેનાની ગઠબંધન સરકાર છોડવાની તૈયારી
પવારે કહ્યું, બહુમતનો ફેંસલો વિધાનસભામાં જ થશે
ફડણવીસ દિલ્હીમાં, સરકાર રચવાની તૈયારી ?
નવીદિલ્હી, તા.23: ગુવાહાટીમાં પોતાના સમર્થક વિધાયકો સાથે ધામો નાખનાર શિવસેનાના બગાવતી નેતા એકનાથ શિંદેએ આજે વીડિયો જારી કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું અને તેમની સાથે 42 ધારાસભ્ય હોવાથી ઉદ્ધવ ઠાકરે પાસે નતમસ્તક થવા સિવાય કોઈ છૂટકો દેખાતો નથી. હવે પક્ષાંતરનો કાયદો પણ લાગુ ન થાય તેટલું સંખ્યાબળ હોવાના લીધે એકનાથ શિંદેના બન્ને હાથમાં લાડુ જેવી સ્થિતિ છે. એકબાજુ શિવસેનાએ મહાવિકાસ અઘાડી ગઠબંધન છોડવા સુધીની તૈયારી દેખાડી દીધી છે તો બીજીબાજુ ભાજપ તરફથી પણ તેમને લલચામણી ઓફરો થઈ હોવાનું કહેવાય છે. દરમિયાન  મહારાષ્ટ્ર વિધાનસભાનાં ડેપ્યુટી સ્પીકર તરફથી કહેવામાં આવ્યું હતું કે, શિંદેના વિધાયકો તરફથી જો કોઈ સમર્થન પત્ર પાઠવવામાં આવશે તો તેનું શક્તિ પરીક્ષણ કરવામાં આવશે. દરમિયાન એનસીપીનાં વડા શરદ પવારે કહ્યું હતું કે, બાગી વિધાયકો મુંબઈમાં આવે પછી જ કોઈપણ ફેંસલો થઈ શકશે. અત્યારે ઉદ્ધવ સરકાર પાસે બહુમત છે અને જરૂર પડશે તો બહુમતનો ફેંસલો વિધાનસભામાં જ થશે. બીજી બાજુ શિંદેએ ભાજપ તરફ ઢળવાનો પ્રબળ સંકેત આપતા કહ્યું હતું કે, મહાશક્તિ છે તેવા એક રાષ્ટ્રીય પક્ષે તેમને તમામ સહયોગની ખાતરી આપી છે. શિવસેનાએ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને દાગીઓ સામે કાર્યવાહીની માગ કરી છે.
આજે સવારે શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્ય બાગી વિધાયકો પાસે આસામ પહોંચી ગયા હતા. બુધવાર સુધી શિંદે પાસે શિવસેનાના 37 વિધાયકો હતા અને હવે આજે એક અપક્ષ સાથે શિવસેનાના વધુ 3 ધારાસભ્ય પણ તેમના જૂથમાં જોડાઈ જતાં હવે સંખ્યાબળ 41 થઈ ગઈ હોવાનું કહેવાય છે. જો કે કુલ મળીને કેટલા અપક્ષ ધારાસભ્યો શિંદેના હાથમાં છે તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
શિંદેએ આજે વીડિયો દ્વારા શક્તિ પ્રદર્શન કર્યા બાદ અને તેમને મનાવવાના તમામ પ્રયાસો વિફળ જતાં દેખાતા શિવસેના તરફથી હથિયાર હેઠાં મૂકી દેવામાં આવ્યાં હતાં. પક્ષના સાંસદ સંજય રાઉતે પક્ષમાં બગાવત વિશે કહ્યું હતું કે, શિવસેના મહાવિકાસ અઘાડી સરકારમાંથી અળગી થઈ જશે પણ પહેલા વિધાયકો મુંબઈ તો આવી જાય. આ લોકોમાં હિંમત નથી. તેમણે આમનેસામને ચર્ચા કરવી જોઈએ. આ ઉપરાંત રાઉતે દાવો કર્યો હતો કે, શિંદેના જૂથમાંથી 21 ધારાસભ્ય તેમના સંપર્કમાં છે અને તેમનું અપહરણ થયું છે.
જો કે મહાવિકાસ અઘાડી સરકારમાંથી નીકળી જવાની તેમની તૈયારી સાથે જ એનસીપી અને કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસે તાબડતોબ સાંજે પોતાના વિધાયકોની એક બેઠક યોજી હતી. બીજીબાજુ સાંજે શરદ પવારે પણ એનસીપીનાં ધારાસભ્યની બેઠક કરી હતી. આ બેઠક બાદ તેમણે કહ્યું હતું કે, બાગી ધારાસભ્યો છેલ્લા અઢી વર્ષથી અમારી(કોંગ્રેસ, એનસીપી) સાથે હતાં. ત્યારે તેમને કેમ હિન્દુત્વ યાદ નહોતું આવ્યું? તેમણે આગળ ઉદ્ધવ રાજીનામુ નહીં આપે તેવો અણસાર આપતાં કહ્યું હતું કે, બહુમતનો ફેંસલો વિધાનસભામાં જ થશે. અત્યારે ઉદ્ધવ સરકાર બહુમતમાં છે અને વિધાયકો મુંબઈ આવે પછી જ કંઈપણ થઈ શકશે. સામે પક્ષે શિંદેએ ભાજપ તરફ પ્રયાણ કરવાનો ઈશારો આપતા કહ્યું હતું કે, એક રાષ્ટ્રીય પક્ષે અમારા પગલાને ઐતિહાસિક ગણાવી તમામ સહકારની ખાતરી આપી છે. બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસ પણ સરકાર બનાવવાની તૈયારીમાં હોય તેવી રીતે દિલ્હી દોડી ગયા હતા. ત્યારબાદ અમિત શાહ પણ મોદીને મળવા પહોચ્યા હતા.
સામે પક્ષે શિંદેએ ફરી એકવાર ઉદ્ધવ સામે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. બાગીજૂથના વિધાયકોનો એક પત્ર જારી કરીને શિંદેએ નારાજગીનું મોટું કારણ ઉજાગર કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, અમુકને બાદ કરતાં અન્ય તમામ વિધાયકોનું અપમાન કરવામાં આવતું હતું. પક્ષના નેતાઓ શિવસૈનિકો માટે જ ઉપલબ્ધ નહોતા. એવા વખતે શિંદેએ તેમનો હાથ ઝાલ્યો હતો. સતત અવગણના અને ભેદભાવનાં કારણે શિંદેએ ભલાઈમાં જ નિર્ણય લીધો છે.
શિવસેના તરફથી શિંદે સામે ગઠબંધન સરકાર છોડવા સહિતની તૈયારી દેખાડવામાં આવ્યા બાદ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ તરફથી પણ શિંદેને લોભામણી ઓફર આપવામાં આવી હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે, ભાજપે શિંદેના જૂથને સારા મંત્રાલય ઉપરાંત કેન્દ્રમાં બે મંત્રી પદની ઓફર પણ આપી છે.
મહારાષ્ટ્રનાં રાજકારણમાં સર્જાયેલા આ ભૂકંપ મધ્યે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરી જરીવાલે પણ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમને જે પત્ર મળ્યો છે તેમાં 34 ધારાસભ્યનાં નામ છે. શિંદેના સમર્થકનો આંકડો હજી ચોક્કસ નથી. તેઓ જે દાવો કરી રહ્યા છે તેને ચકાસવો પડશે. જો શિંદેના વિધાયકોનો સમર્થનનો પત્ર મળશે તો કાયદા અનુસાર તેની તપાસ કરવામાં આવશે. સંખ્યાબળનું પરીક્ષણ રૂબરૂ કરવામાં આવશે. જો કે હજી સુધી આવો કોઈ પત્ર મળ્યો નથી અને જ્યારે મળશે ત્યારે એકાદ બે દિવસમાં જ વિચારણા થશે.
શિંદે આ બગાવતમાં ઉદ્ધવને વધુ એક આંચકો આપવાની તૈયારીમાં છે. તેમણે હવે 400 જેટલા પૂર્વ નગરસેવકો અને પૂર્વ સાંસદોની પણ એક યાદી બનાવી છે. જે તેમનાં સમર્થનમાં આવી શકે છે. આ લોકોને પણ તેઓ પોતાની સાથે લઈને શિવસેનામાંથી ઉદ્ધવનું વર્ચસ્વ જ ખતમ કરવા ઉપર ઉતરી ગયા હોવાનું દેખાડી રહ્યા છે.
-------
મહારાષ્ટ્ર સંકટ મુદ્દે સુપ્રીમમાં અરજી
નવીદિલ્હી, તા.23: મહારાષ્ટ્રનાં રાજકીય સંકટનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પક્ષપલટામાં સામેલ તમામ વિધાયકો સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષા જયા ઠાકુર તરફથી આ અરજી કરવામાં આવી છે. આમાં મહારાષ્ટ્રના વિદ્રોહી વિધાયકોને પાંચ વર્ષ માટે ચૂંટણી લડતા પ્રતિબંધિત કરવાની માગ કરવામાં આવી છે.
--------
ઉદ્ધવ સામે ઇડીની તપાસની માગ
મુંબઈ, તા.23: મહારાષ્ટ્રનાં રાજકીય સંકટ વચ્ચે ભાજપ નેતા કિરીટ સોમૈયાએ બોમ્બે હાઇ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ જનહિત અરજીમાં તેમણે ઉદ્ધવ ઠાકરે સંબંધિત સંપત્તિનો મામલો ઉઠાવ્યો છે. તેમણે આની તપાસ કરાવવાની માગણી કરી છે. સોમૈયાએ જે સંપત્તિ સામે સવાલ ઉઠાવ્યો છે તે કથિતરૂપે ઉદ્ધવ ઠાકરેનાં પત્ની અને શિવસેના વિધાયક રવીન્દ્ર વાઇકરની પત્ની મનિષાએ મહારાષ્ટ્રનાં રાયગઢમાં મુરુડ તાલુકામાં સાથે મળીને ખરીદેલી છે. સોમૈયાએ આ સંપત્તિની પર્યાવરણ મંત્રાલય તરફથી તપાસ માગી છે. આ ઉપરાંત અલીબાગ સ્થિત પ્રોપર્ટીનાંસંબંધમાં ઠાકરે અને તેના પરિવાર દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિની ઇડી સહિતની એજન્સીઓ દ્વારા તપાસ માગવામાં આવી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer