મોડાસા, તા. 23: થોડા સમય પહેલા ભિલોડા પંથકમાં ગેંગ રેપની ફરિયાદ થઈ હતી, જેમાં પોલીસ તપાસમાં ગેંગ રેપ એ તરકટ સામે આવતા પોલીસ હવે કડક કર્યવાહી કરી છે અને ખોટી ફરિયાદ કરાવનાર તેમજ અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
તા. 11ના રોજ ભિલોડા તાલુકાનાં જસવંતપુરા ગામની સીમમાં જંગલમાં સગીરા સાથે કથિત ગેંગ રેપની ઘટના સામે આવી હતી. જે-તે સમયે ઘટના એવી હતી કે, સગીરાને ત્રણ ઇસમ જંગલમાં લઈ ગયા હતા અને ગેંગ રેપ કર્યો હતો. આ સાથે જ આરોપીઓએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાને મદદગારી કરી હતી. આ અંગે ભિલોડા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી.વસાવા તેમજ તેમની ટીમ દ્વારા તાત્કાલિક ગુનો નોંધીને બનાવની ગાંભીરતા જોઈ પોલીસે આકાશ-પાતળ એક કરી ત્રણ આરોપીને તાત્કાલિક પકડી પાડયા હતા. ગેંગ રેપના ગુનાની આગળની તપાસ સંભાળી લઈ ભોગ બનનાર સગીરાની જરૂરી મેડિકલ તપાસણી કરાવવામાં આવી હતી અને ફરિયાદ સંબંધે સગીરાની વધુ પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, આ ફરિયાદ ખોટી રીતે કુટુંબના અંગત અદાવતનાં કારણે આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ગુનાની વૈજ્ઞાનિક ઢબે ઉંડાણ પૂર્વક તપાસ કરતા સમગ્ર મામલો તદ્દન ખોટો અને ઉપજાવી કાઢેલ હોવાનું જણાઈ આવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી.વસાવા દ્વારા ગેંગરેપ બાબતે આપેલ ફરિયાદના ફરિયાદી તથા જે ઇસમના કહેવાથી આ ફરિયાદ ફરિયાદીએ આપેલ તે બન્ને વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.મેઘરજની મોટી પંડુલીની ઘટના: હાલમાં જ મેઘરજની મોટી પંડુલીની એક કોલેજીયન યુવતીની લાશ તા.16ના રોજ મળી આવી હતી, જેમાં પોલીસે 4 લોકો સામે ગુનો નોંધ્યો હતો, ત્યારબાદ પોલીસ ફરિયાદમાં સાક્ષી જ આરોપી નીકળ્યો હતો અને જે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, તે તમામ લોકોની હત્યામાં સંડોવણી સામે આવી ન હતી.