પાળ ગામે પેટ્રોલપંપમાં લૂંટ ચલાવનાર પરપ્રાંતીય લુટારુ ટોળકી ઝડપાઈ

રોડ કોન્ટ્રાક્ટરે બે માસથી મજૂરીના નાણાં નહીં આપતા લૂંટ ચલાવી’તી
રાજકોટ, તા.ર3 : લોધિકાના પાળ ગામે પેટ્રોલપંપના કર્મચારી પર હુમલો કરી રૂ.1.ર9 લાખની મતાની લૂંટ ચલાવવાના બનાવમાં પોલીસે પાંચ પરપ્રાંતીય લુટારુઓને ઝડપી લઈ મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, લોધિકાના પાળ ગામે આવેલા જય લીરબાઈ પેટ્રોલપંપ ખાતે ગત તા.13/3ના દીવાલ ઓળંગીને ચાર લુટારુઓ ત્રાટક્યા હતા અને ઓફિસમાં હાજર રહેલા કર્મચારી હિમાંશુ અશોક કાલેરિયા પર ધોકાથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી કબાટમાંથી રૂ. 1.ર9 લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે હિમાંશુ કાલેરિયાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.
દરમિયાન રુરલ એલસીબીના સ્ટાફે સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા બાતમીના આધારે મૂળ એમપી પંથકના અને હાલમાં પારડી પાસે કલ્પવન વિસ્તારમાં વૃજવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા મુકેશ ઘેરુ ગણાવા, નરેશ ઉર્ફે મડિયા નવસિંગ પલાસ, નરેશ રમેશ પલાસ, મોજી પ્રતાપ ભૂરિયા અને વિનોદ ઉર્ફે વિનુ ગલિયા પલાસને ઝડપી લઈ રૂ.ર400ની રોકડ અને છ મોબાઈલ સહિત રૂ.18,400નો મુદ્દામાલ કબજે કર્યે હતો.
પોલીસની આકરી તપાસ અને પૂછતાછમાં સૂત્રધાર મુકેશ ગણાવા પેવર બ્લોકના કોન્ટ્રાક્ટર જીતુભાને ત્યાં કામ કરતો હોય અને મજૂરીના બે માસથી નાણા બાકી હોય કોન્ટ્રાક્ટર જીતુભા જય લીરબાઈ પેટ્રોલપંપના માલિક ભીમભાઈ કેશવાલા પાસેથી કોન્ટ્રાક્ટ રાખતા હોય અને મુકેશ ગણાવા અવારનવાર ત્યાં હિસાબ અને ઉપાડ લેવા જતો હોય લૂંટનો પ્લાન ઘડયો હતો અને સાગરીતો સાથે મળી રેકી કર્યા બાદ પંપના કર્મચારી પર હુમલો કરી લૂંટ ચલાવી નાસી છૂટયા હતા તેમજ નરેશ પલાસ ગુજરાતમાં પાંચ ગુનામાં અને નરેશ ઉર્ફે મડિયો પલાર બે ગુનામાં ફરાર હોવાનું ખુલ્યું હતું. પોલીસે લૂંટનો મુદ્દામાલ કબજે કરવા સહિતના મામલે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer