એક દાયકામાં નથી થયું તેટલું નુકસાન આ વખતે વિરોધ પ્રદર્શનમાં થયું
નવીદિલ્હી, તા.23: સેનામાં ભર્તી માટે કેન્દ્ર સરકારની યોજનાનો વિરોધ એટલી હદે પ્રચંડ હતો કે ઠેરઠેર આગજનીની ઘટનાઓ બની હતી. જેમાં સૌથી વધુ નુકસાન રેલવેને થયું. પ્રદર્શનકારીઓએ રેલવે સંપત્તિઓને નુકસાન પહોંચાડવા સાથે ડઝનબંધ ટ્રેનોને ભસ્મીભૂત કરી નાખી હતી. જેમાં રેલવેની સંપત્તિને છેલ્લા એક દાયકામાં નુકસાન નથી થયું એટલું આ વિરોધ પ્રદર્શનોમાં થયું છે. આ તોફાની વિરોધમાં રેલવેને કુલ મળીને 1 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
છેલ્લા એક દાયકાની વાત કરવામાં આવે તો રેલવેને વિરોધ પ્રદર્શન સહિતનાં વિવિધ કારણોથી સંપત્તિમાં 400 કરોડની ખોટ આવી હતી. રેલ મંત્રાલય તરફથી આપવામાં આવેલા આંકડા અનુસાર 2020-21માં રેલવેને કાયદો-વ્યવસ્થા વણસતા અને વિરોધ પ્રદર્શનોમાં 467.20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જેમાં 46પ કરોડ રૂપિયાનું નુકસાન તો એકલા પંજાબમાં જ થયું હતું. જેમાં એક મોટું કારણ કિસાન આંદોલન પણ હતું. આ પહેલા 2019-20માં રેલવેને 100 કરોડ રૂપિયાથી અધિકનું નુકસાન થયું હતું.
તેની સામે ચાલુ વર્ષમાં રેલવેને થયેલી આવી અણધારી નુકસાનીનો આંકડો 1000 કરોડ રૂપિયાને પાર કરી જાય તેવી ધારણા છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર એક જનરલ કોચ બનાવવા પાછળ 80 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે જ્યારે સ્લિપર કોચ બનાવવા પાછળ 1.2પ કરોડ રૂપિયા અને એસી કોચમાં 3.પ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. એક ટ્રેન એન્જિન બનાવવા માટે 20 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થતો હોય છે.
------
અગ્નિવીરોને કારર્કિદીની શ્રેષ્ઠ તકો પ્રદાન કરવાની ‘વેલસ્પન’ની તૈયારી
ગાંધીધામ, તા.23: અગ્નિવીરોને કારર્કિદીની શ્રેષ્ઠ તકો પ્રદાન કરવાની વેલસ્પન કંપનીએ જાહેરાત કરી છે. આ પ્રસંગે ટિપ્પણી કરતા વેલસ્પનના ચેરમેન બી.કે.ગોએન્કાએ જણાવ્યું હતું કે “અગ્નિપથ યોજના ઉદ્યોગ માટે અત્યંત કુશળ, શિસ્તબદ્ધ અને પ્રતિભાશાળી કર્મચારીઓને તેમની સંસ્થાઓમાં સામેલ કરવાની સુવર્ણ તક છે. ઔદ્યોગિક મશીનરી પર ગૌણ અભિગમ સાથે, તેઓ ગુણવત્તાયુક્ત આઉટપુટ આપવા સક્ષમ બનશે. અગ્નિવીરોને વેલસ્પનમાં વિવિધ સ્તરે યોગ્ય જગ્યાઓ મળશે.’’
--------
અગ્નિપથમાં ફોર્મ ભરનારાઓને સામાજિક બહિષ્કારની ખાપની ધમકી
રોહતક, તા.23 : ખાપ નેતાઓ અને ખેડૂત આંદોલનના પ્રતિનિધિઓએ બુધવારે કહ્યું કે જે કોઈપણ અગ્નિપથ ભરતી યોજનાનું ફોર્મ ભરશે અથવા તેમાં ભાગ લેશે તેઓનો ‘સામાજિક બહિષ્કાર’ કરવામાં આવશે. હરિયાણાના રોહતક જિલ્લાના એક ગામમાં બુધવારે પંચાયત બોલાવાઈ હતી જેમાં વિવિધ ખાપ પંચાયતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પંચાયતમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને પંજાબની વિવિધ ખાપના પ્રતિનિધિઓ હાજર રહ્યા તેમજ ત્યાંના વિદ્યાર્થી સંગઠનોના સભ્યોએ પણ હાજરી આપી હતી.
અગ્નિપથ ઉપર રેલવેની 1 હજાર કરોડની સંપત્તિ ફૂંકાઈ
