સૂરજ ઉપર બન્યો પૃથ્વીથી ત્રણ ગણો મોટો ડાઘ

સૂરજ ઉપર બન્યો પૃથ્વીથી ત્રણ ગણો મોટો ડાઘ
માત્ર 24 કલાકમાં આકાર બમણો થયો: સૌર તોફાનની આશંકા
નવી દિલ્હી તા.23 : વૈજ્ઞાનિકોએ સૂરજ ઉપર પૃથ્વીથી ત્રણ ગણો મોટો ડાઘ જોયો છે. આ ડાઘ છેલ્લા 24 કલાકમાં બમણો થયો છે. આશંકા છે કે તેનાથી મધ્યમ કક્ષાનું સૌર તોફાન આવી શકે છે. જેનાં કારણે વૈજ્ઞાનિકો પરેશાન છે, કારણ કે સૌર તોફાન આવશે તો તેનાથી ઘણા સેટેલાઇટ પ્રભાવિત થઈ શકે છે. જીપીએસ, ટીવી સંચાર અને રેડિયોનું કામ બાધિત થઈ શકે છે.
સ્પેસવેધરના લેખક ટોની ફિલિપ્સના કહેવા પ્રમાણે ઝડપથી વધી રહેલા ડાઘનો આકાર માત્ર 24 કલાકમાં બમણો થયો છે. જેનાથી પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ ઉપર અસર થઈ શકે છે. ડાઘનાં કારણે ધરતીના બન્ને ધ્રુવ ઉપર રંગીન રોશનીનો અરોરા જોવા મળી શકે છે. ટોની ફિલિપ્સે કહ્યું છે કે ડાઘ જો સૌર તોફાન પેદા કરશે તો તે એમ ક્લાસનો હશે. વર્તમાન સમયમાં સૂરજ ખૂબ જ સક્રિય છે. જેના કારણે જિયોમેગ્નેટિક તોફાન આવી રહ્યા છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં એમ ક્લાસ અને એક્સ ક્લાસના ફલેયર્સ કહે છે.
સૂરજ ઉપર બનેલા ડાઘથી કોરોનલ માસ ઇન્જેક્શન થાય છે. એટલે કે સૂર્યની સપાટી ઉપર એક પ્રકારનો વિસ્ફોટ થાય છે. જેનાથી અંતરિક્ષમાં લાખો કિમી પ્રતિ કલાકની ઝડપે એક અબજ ટન ઊર્જા ફેલાય છે. આ ઊર્જા ધરતી સાથે ટકરાતા સેટેલાઇટ નેટવર્ક, જીપીએસ, સેટેલાઇટ ટીવી વગેરેને અસર પડે છે જ્યારે સૂરજના એક હિસ્સામાં બીજા હિસ્સા કરતા ગરમી ઓછી હોય ત્યારે ડાઘ બને છે.
 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer