અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ : 1000 લોકોનાં મૃત્યુ

અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ : 1000 લોકોનાં મૃત્યુ
કાબુલ, તા. 22: અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં બુધવારે સવારે આવેલા ભીષણ ભૂકંપથી તબાહી મચી છે. 6.1ની તિવ્રતાના ભૂકંપથી અફઘાનિસ્તાનમાં 1000 લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ સામે આવ્યા છે જ્યારે 600થી વધારે લોકોને ઈજા પહોંચી છે. સૌથી વધારે પ્રભાવિત પાકટીકા અને ઓસ્ત વિસ્તાર થયા છે. જ્યાં ઘણાં ગામો ખંઢેરમાં તબદીલ થયાં છે. પાકિસ્તાનમાં પણ અફઘાનિસ્તાન નજીક આવેલા વિસ્તારોમાં તબાહી મચી છે. અમેરિકાના જિયોલોજિકલ સર્વે વિભાગના કહેવા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર પૂર્વ અફઘાનિસ્તાનના ખોસ્ત વિસ્તારથી 44 કિમીની દૂરીએ હતું.
અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે બચાવકર્મીઓ હેલિકોપ્ટરનાં માધ્યમથી પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી ગયા છે. લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તાલિબાન સરકારના ઉપપ્રવક્તા બિલાલ કરીમીના કહેવા પ્રમાણે પાકટીકા પ્રાંતમાં ચાર જિલ્લામાં ભૂકંપની ભીષણ અસર થઈ છે. જેમાં સેંકડોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો છે અને ઘણાં મકાનો ધ્વસ્ત થયાં છે.
ખોસ્તમાં પણ ભારે તબાહી મચી છે. જેની તસવીરો સામે આવી છે. પાકિસ્તાનમાં પણ ખૈબર પખ્તુન્ખ્વા પ્રાંતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કહેવાય છે કે ભૂકંપમાં ઘરની છત તૂટી પડતા વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અફઘાનિસ્તાનના સમય પ્રમાણે સવારે 1.54 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. પાકિસ્તાનમાં પેશાવર, ઈસ્લામાબાદ, લાહોર અને પંજાબના ખૈબર પખ્તુન્ખ્વા પ્રાંત ઉપરાંત અન્ય વિસ્તારમાં પણ ભૂકંપ અનુભવાયો હતો.
અફઘાનિસ્તાનમાં અસરગ્રસ્ત વિસ્તારો ઘણા દૂર હોવાથી બચાવ કર્મચારીઓને પહોંચવામાં પણ મુશ્કેલી પડી હતી. જેનાં પરિણામે હેલિકોપ્ટર્સ તૈનાત કરવામાં આવ્યા હતા.
અફઘાનિસ્તાનમાં સામે આવી રહેલી તસવીર પ્રમાણે ભૂકંપના કારણે ઘણા વિસ્તારો બરબાદ થઈ ચૂક્યા છે. યુરોપીય ભૂકંપ કેન્દ્રનું અનુમાન છે કે ભૂકંપનો અનુભવ 500 કિમીના વિસ્તારમાં થયો હતો. આ પહેલા ગયા શુક્રવારે પાકિસ્તાનમાં 5.6ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
ભૂકંપમાં જીવ ખોનારા લોકોના સ્વજનોના કલ્પાંતથી કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલોમાં ખસેડાયા હતા.
દરમ્યાન યુરોપીયન મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યાનુસાર આ ભૂકંપની અસર 500 કિ.મી.ના દાયરામાં થઇ હોવાથી ભારત અને પાકમાં પણ આંચકા અનુભવાયા હતા.
અફઘાન સરકારના પ્રવક્તા બિલાલ કરીમીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મોટી સંખ્યામાં ઘરો તૂટી ગયાં છે. તેમણે એજન્સીઓને ભૂકંપગ્રસ્તોની વહારે આવવા અપીલ કરી હતી.
લોકોને ધરાશાયી થયેલાં ઘરો, ઇમારતોના કાટમાળમાંથી બહાર કાઢવાની કવાયત માટે હેલિકોપ્ટરો પણ પહોંચી ગયા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer