ઉદ્ધવ ઊંધેકાંધ !

ઉદ્ધવ ઊંધેકાંધ !
મુંબઈ,તા.22: શિવસેનામાં બળવો કરનાર એકનાથ શિંદે સામે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઘૂંટણીયે આવી ગયા છે. શિવસેનાનાં 40 વિધાયકો સાથે બંડ પોકારનાર શિંદેએ માત્ર મહાવિકાસ અઘાડી સરકારને જ નથી ડગમગાવી પણ શિવસેના પક્ષ ઉપર પણ પોતાનો દાવો કરી નાખ્યો છે. જેને પગલે ઉદ્ધવ સામે સરકાર બચાવવાનો જ નહીં પણ પોતાનો પક્ષ બચાવવાનો પડકાર પણ ખડો થઈ ગયો હતો. બસ હવે મહારાષ્ટ્રમાં પોતાની સરકારનું પતન થાય એટલી જ વાર છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યને સંબોધન કરીને મુખ્યમંત્રી પદ સાથે શિવસેનાનું પ્રમુખ પદ પણ છોડી દેવાની તૈયારી દેખાડી હતી. તેમણે કહ્યું હતું કે, શિવસેનાનો એકપણ વિધાયક કહેશે તો પોતે રાજીનામુ ધરી દેશે. બીજીબાજુ એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ સોંપવા સુધીની તૈયારી અંદરખાને દેખાડવામાં આવી હોવાનું કહેવાય છે. જો કે સામે પક્ષે શિંદે ટસનાં મસ થયા નથી.
મહારાષ્ટ્રમાં પોતાની સરકાર અને પક્ષ શિવસેના ઉપર ઘેરાયેલા સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નાટકીય ઘટનાક્રમો વચ્ચે આજે સાંજે રાજ્યને સંબોધન કર્યુ હતું અને કહ્યું હતું કે,  જો મારી સામે કોઈને વાંધો હોય તો રૂબરૂ કહી શકે છે. સુરત કે અન્ય કોઈ સ્થળેથી શા માટે આવા નાટક કરવામાં આવે છે? જો શિવસેનાનો એકપણ ધારાસભ્ય આવીને તેમને કહેશે તો પોતે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, જો એનસીપી કે કોંગ્રેસ રાજીનામુ માગે તો ઠીક છે કારણ કે તે અલગ પક્ષ છે. આટલું જ નહીં ઉદ્ધવે તો શિવસેનાનું અધ્યક્ષસ્થાન પણ છોડવાની તૈયારી દેખાડી હતી. જેને પગલે ઉદ્ધવે સરકારી આવાસ પણ ખાલી કરી નાખ્યું હતું.
ઉદ્ધવે આગળ કહ્યું હતું કે, તેમને ક્યારેય મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા હતી જ નહીં. શરદ પવારે આ જવાબદારી મારા શિરે આપી હતી. જેમાં સોનિયા ગાંધીએ પણ ભરોસો વ્યક્ત કર્યો હતો. તેમણે આગળ એવું પણ ઉમેર્યુ હતું કે, શિવસેના ક્યારેય હિન્દુત્વ મુદ્દે બાંધછોડ કરતી નથી. જો હું રાજીનામુ આપી દઉં તો પણ કોઈ શિવસૈનિકને જ મુખ્યમંત્રી તરીકે જોવાનું પસંદ કરીશ. તેમણે આગળ શિંદે ઉપર તીખો કટાક્ષ કરતાં કહ્યું હતું કે, કુહાડી પણ લાકડાની જ હોય છે પણ તેનાંથી ઝાડ કપાઈ જાય છે.
આજે ઉદ્ધવે બોલાવેલી કેબિનેટની બેઠક પહેલા તેમણે એકનાથ શિંદે સાથે ફોન ઉપર વાતચીત કરી હોવાનાં અહેવાલો પણ આવ્યા હતાં. તેમાં પણ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેવાની તૈયારી દેખાડી હતી. જો કે, સામે પક્ષેથી શિંદેએ એવું કહી દીધું હોવાનું જાણવા મળે છે કે, હવે આના માટેનો સમય નીકળી ગયો છે. જો ઠાકરે રાજીનામુ આપવા ઈચ્છતા હોય તો પણ એ તેમનો અંગત નિર્ણય હશે.
આ પહેલા મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને સંકટમાં મૂકી દેનાર એકનાથ શિંદેએ શિવસેના પક્ષ ઉપર જ પોતાનો દાવો કરીને ઉદ્ધવ ઠાકરેનાં રાજકીય અસ્તિત્વ સામે જ પડકાર ફેંકી દીધો હતો. બે દિવસની મથામણ છતાં સરકાર બચતી નહીં દેખાતા ઉદ્ધવ ઠાકરેએ પોતાની સામેનાં આંતરિક વિદ્રોહ સામે હાર માની લીધી હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. તેનો સંકેત ઉદ્ધવનાં પુત્ર આદિત્ય ઠાકરેની ટ્વિટર પ્રોફાઈલમાં મળ્યો હતો. તેમણે પ્રોફાઈલમાંથી પોતે મંત્રી હોવાનો પરિચય હટાવી નાખ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ પણ સરકારી આવાસ છોડીને ફરીથી માતોશ્રીમાં પોતાનો સામાન ફેરવી લીધો હતો.
ગુજરાતમાં સુરતમાં રાખવામાં આવેલા શિંદેનાં સમર્થક વિધાયકોને સોમવારની મોડી રાતે આસામમાં ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતાં. આજે દિવસે મુંબઈથી આવી પહોંચેલા અન્ય ત્રણ વિધાયકોને પણ ગુવાહાટી રવાના કરી દેવામાં આવ્યા હતાં. ગુવાહાટી એરપોર્ટ ઉપર પહોંચીને શિંદેએ કહ્યું હતું કે, તેમણે શિવસેના છોડી નથી અને બાળ ઠાકરેનાં હિન્દુત્વને પોતે આગળ ધપાવશે. બીજીબાજુ મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના પોઝિટિવ હોવાનાં અહેવાલો આવ્યા હતાં. જો કે પછીથી તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું કહેવાયું હતું. તો આ રાજકીય સંકટ વચ્ચે શિવસેનાનાં વિધાયક નીતિન દેશમુખે એવો દાવો કર્યો હતો કે, તેઓ ઉદ્ધવ ઠાકરેની સાથે છે અને તેમનું અપહરણ કરીને સુરત લઈ જવાયા હતાં.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસે નિયુક્ત કરેલા કમલનાથે કહ્યું હતું કે, તેમણે શરદ પવાર સાથે ગઠબંધન સરકારનાં ભાવિ અંગે ચર્ચા કરી છે. કોંગ્રેસ અને એનસીપી મહાવિકાસ અઘાડી મોરચાની સાથે જ છે. આજે સાંજે મહારાષ્ટ્રને સંબોધન બાદ ઉદ્ધવે પણ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક એકાદ કલાક લાંબી ચાલી હતી. જેમાં પવારે ઉદ્ધવને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવી દેવાની સલાહ આપી હોવાનું સૂત્રોએ કહ્યું હતું. બેઠક બાદ પવારે આવતીકાલે એનસીપીનાં વિધાયકોની બેઠક બોલાવી હતી. બીજીબાજુ દેવેન્દ્ર ફડણવીસે ભાજપનાં ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ફડણવીસ સાથે બેઠક કર્યા પછી કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે, જે કંઈપણ ચાલે છે તે શિવસેનાની આંતરિક બાબત છે. ભાજપને કોઈ નિસ્બત નથી. ભાજપ સરકાર બનાવવાનો દાવો પણ નહીં કરે. કારણ કે સરકાર આપમેળે જ ગબડી જવાની છે. ભાજપને શિંદે સહિત કોઈ ધારાસભ્ય સાથે સંપર્ક નથી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer