નવી દિલ્હી, તા. 22 : સીબીઆઈએ અત્યારસુધીની સૌથી મોટી બેન્ક છેતરપિંડીના મામલામાં ડીએચએફએલના પ્રમોટર્સ કપિલ વાધવાન અને ધીરજ વાધવાન સામે નવો કેસ નોંધ્યો છે. આ કેસમાં બેન્કોના એક સમૂહ સાથે 34615 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ બેન્ક સમૂહની આગેવાની યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા કરી રહી હતી. ડીએચએફએલનો
આ મામલો સીબીઆઈ પાસે રજીસ્ટર્ડ અત્યારસુધીની સૌથી મોટી બેન્ક છેતરપિંડીનો મામલો છે. સીબીઆઈને જાણવા મળ્યું છે કે છેતરપિંડીમાં એબીજી શિપયાર્ડને 22842 કરોડ રૂપિયાનુ નુકશાન થયું છે. અધિકારીઓના કહેવા પ્રમાણે સીબીઆઈ આરોપીઓ સંબંધિત પરિસરોની તપાસ કરી રહી છે. જે મુંબઈમાં 12 જગ્યાએ છે. એજન્સીએ ડીએચએફએલના તત્કાલીન સીએમડી કપિલ વાધવાન, ડાયરેક્ટર ધીરજ વાધવાન અને 6 રિયલ્ટી કંપની સામે અપરાધિક સાજીશ રચવાનો કેસ નોંધ્યો છે. એજન્સીના કહેવા પ્રમાણે આ લોકોએ મળીને યૂનિયમ બેન્ક ઓફ ઈન્ડિયા સહિતની અન્ય બેન્કો સાથે છેતરપિંડી કરવાની સાજીશ રચી હતી.
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને અન્ય બેન્કોએ 40,623.36 કરોડ રૂપિયાની છેતરપિંડી માટે ડીએચએફએલના જુના પ્રમોટર્સ સામે સીબીઆઈ દ્વારા તપાસની માગણી કરી હતી. 40623.36 કરોડ રૂપિયાનો આંકડો 30 જુલાઈ 2020ના આધારે હતો. બેન્કે પોતાની ફરીયાદમાં ઓડિટ ફર્મ કેપીએમજીની તપાસના પરિણામનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેપીએમજીને જાણવા મળ્યું હતું કે, કેસમાં નિયમો અને જોગવાઈને ધ્યાને લેવામાં આવી નહોતી. એકાઉન્ટ સાથે પણ ચેડા કરવામાં આવ્યા હતા અને ખોટા આંકડા સામે રાખવામાં આવ્યા હતા.
અધિકારીઓએ કહ્યું છે કે એજન્સીએ બેન્ક પાસેથી મળેલી 11 ફેબ્રુઆરી 2022ના રોજ મળેલી ફરીયાદના આધારે કાર્યવાહી કરી છે. ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવાન અને ધીરજ વાધવાન પહેલાથી જ જેલમાં છે. બન્નેને યસ બેન્ક સાથે છેતરપિંડીના મામલામાં સીબીઆઈ અને ઈડીના કેસના આધારે ધરપકડ કરવામાં આવી હતી.
સૌથી મોટું બેન્ક ફ્રોડ : 34615 કરોડનો ચૂનો
