મિત્ર રશિયા પાસેથી ભારતની 25 ગણી વધુ ક્રૂડ ખરીદી

મિત્ર રશિયા પાસેથી ભારતની 25 ગણી વધુ ક્રૂડ ખરીદી
અમેરિકી પ્રતિબંધો છતાં રશિયાનો સાથ : આજે બ્રિક્સની બેઠકમાં પુતિન સાથે મોદીની બેઠક
મોસ્કો, તા. 22: યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાની ધમકીઓ છતાં પણ ભારત પોતાના મિત્ર રશિયા સાથે અડગ રીતે ઉભું છે. ભારત ઊર્જાની વધી રહેલી કિંમતથી પોતાને બચાવવા માટે રશિયા પાસેથી મોટાપાયે સસ્તું ક્રૂડ ખરીદી રહ્યું છે. યુદ્ધ બાદ અમેરિકી પ્રતિબંધો વચ્ચે રશિયાથી ભારતની ક્રૂડ આયાતમાં 25 ગણો વધારો થયો છે. જેનાથી રશિયાને પશ્ચિમી દેશોનાં પ્રતિબંધોની મારથી બચવામાં ઘણી મદદ મળી રહી છે જ્યારે હવે પીએમ મોદી ગુરુવારે બ્રિક્સ દેશોની બેઠકમાં સામેલ થવા જઈ રહ્યા છે. જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ પણ સામેલ થશે.
એક અહેવાલ પ્રમાણે યુક્રેન યુદ્ધ રશિયાથી ભારતની ક્રૂડ આયાતમાં 25 ગણો વધારો થયો છે. યુદ્ધ શરૂ થતા પહેલા ભારતે રશિયા પાસેથી ફેબ્રુઆરી મહિનામાં 30 હજાર બેરલ ક્રૂડ ખરીદ્યું હતું અને જૂન મહિનામાં આ ખરીદી 10 લાખ બેરલ પ્રતિદિવસ સુધી પહોંચી છે. જે યુરોપની રશિયા પાસેથી આયાતના 25 ટકા છે. આ પહેલા યુરોપિયન દેશોના નેતાઓઁએ એલાન કર્યું હતું કે વર્ષના અંત સુધીમાં રશિયા પાસેથી ક્રૂડની ખરીદી 90 ટકા જેટલી ઘટાડી દેશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે પોતાની કંપનીઓને કહ્યું છે કે રશિયા પાસેથી મોટાપાયે ક્રૂડની આયાત કરવામાં આવે.
બીજી તરફ ભારતે સ્પષ્ટતા કરી છે કે ક્રૂડની ખરીદીનો નિર્ણય ઓઇલ કંપનીઓનો છે. ભારત ઉપરાંત તૂર્કી અને ચીન પણ રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદવા પોતાની પૂરી તાકાત લગાડી દીધી છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશો સતત ભારત ઉપર દબાણ બનાવી રહ્યા છે કે રશિયા પાસેથી આયાત ઓછી કરવામાં આવે જેથી તેનાં પ્રતિબંધોનો રશિયા ઉપર પ્રભાવ જોવા મળે. પશ્ચિમી દેશોનું માનવું છે કે તેલ અને ગેસના રૂપિયાના જોરે રશિયા યુદ્ધ લડી રહ્યું છે. રશિયા ભારતને ક્રૂડની ખરીદીમાં બંપર છૂટ આપી રહ્યું છે અને તેનાં કારણે જ આયાતમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer