રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુર્મૂએ શિવમંદિરમાં ઝાડુ લગાવ્યું

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુર્મૂએ શિવમંદિરમાં ઝાડુ લગાવ્યું
BJPના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ઝેડ પ્લસ સુરક્ષા અપાઈ: કાલે ઉમેદવારી નોંધાવશે
નવીદિલ્હી, તા.22: દેશના સર્વોચ્ચ બંધારણીય પદ એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી 18મી જુલાઈએ યોજાવાની છે અને શાસક, વિપક્ષ તરફથી પોતાના ઉમેદવારોનાં નામની ઘોષણા પણ કરી દેવામાં આવી છે. જેમાં શાસકપક્ષ ભાજપ તરફથી એનડીએના ઉમેદવાર તરીકે ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને ઉમેદવારી સોંપવામાં આવી છે. તેઓ 24મીએ શુક્રવારે નામાંકન દાખલ કરવાનાં છે.
તેમનાં નામની ઘોષણા બાદ દ્રૌપદી મુર્મૂને સીઆરપીએફ કમાન્ડોની ઝેડ પ્લસ સુરક્ષા આપી દેવામાં આવી છે. મંગળવારે રાત્રે ભાજપની સંસદીય બોર્ડની બેઠક પછી તેમનાં નામની ઘોષણા કરવામાં આવી હતી અને તેના એક દિવસ બાદ આજે મુર્મૂએ રાયરંગપુરનાં જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને શિવ મંદિરમાં ઝાડુ પણ લગાવ્યું હતું. દરમિયાન મુર્મૂની ઉમેદવારી ઉપર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ ખુશી વ્યક્ત કરી છે. જે દર્શાવે છે કે, ચૂંટણીમાં નીતિશ કુમાર એનડીએસનાં સમર્થનમાં જ રહેશે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટી પણ તેમને સમર્થન આપી શકે છે. તો ઝારખંડ મુક્તિ મોરચા ઉપર પણ હવે મુર્મૂને સમર્થન આપવાનું દબાણ આવતાં વિપક્ષની એકતામાં ફૂટ પડે તેવી શક્યતા વધી ગઈ છે.
એનડીએ દ્વારા મુર્મૂને સોંપવામાં આવેલી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી દુનિયાનાં સૌથી મોટાં લોકતંત્રની મજબૂતી અને ખૂબસૂરતીની અદ્ભુત કહાની સમાન છે. નગરસેવક તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર દ્રૌપદી મુર્મૂનું અનુસૂચિત જનજાતિ (એસટી)માંથી પ્રથમ અને મહિલા તરીકે બીજા રાષ્ટ્રપતિ બનવાનું સુનિશ્ચિત છે. ઓરિસ્સાનાં બેહદ પછાત અને સંથાલ બિરાદરી સાથે જોડાયેલાં 64 વર્ષીય મુર્મૂનું જીવન બેહદ સંઘર્ષમય રહ્યું છે. આર્થિક અભાવનાં કારણે સ્નાતક સુધી શિક્ષણ મેળવ્યા બાદ તેમણે પહેલાં શિક્ષણને જ પોતાની કારકિર્દી બનાવી હતી. ત્યારબાદ તેમણે ભાજપમાં કામ શરૂ કર્યું અને વર્ષ 2000માં પહેલીવાર વિધાયક બન્યાં હતાં. તેઓ બે વખત મંત્રી પણ રહી ચૂક્યાં છે. 201પમાં તેમને ઝારખંડનાં પ્રથમ મહિલા રાજ્યપાલ બનાવવામાં આવ્યાં હતાં. યુવાવસ્થામાં જ વૈધવ્ય આવ્યા બાદ બે પુત્રનાં પણ અકાળે મૃત્યુ છતાં તેઓ જીવન સામે હાર્યાં નહોતાં. તેમની એકમાત્ર પુત્રી ઈતિશ્રી તેમનાં પરિવારને આશ્વાસન આપતી રહી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer