પ્રાચીમાં વાવણીલાયક અને ગારિયાધારમાં અડધો ઇંચ વરસાદ

પ્રાચીમાં વાવણીલાયક અને ગારિયાધારમાં અડધો ઇંચ વરસાદ
બોટાદ અને જામખંભાળિયામાં વરસાદી ઝાપટા
લખતરમાં ચક્રવાતના કારણે કાચા મકાનના છાપરા ઉડયા અને વીજપોલ ધરાશાયી
રાજકોટ, તા.22: (ફૂલછાબ ન્યુઝ) સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો એવા છે જે હજુ પણ સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે. છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે પણ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. અમુક વિસ્તારોમાં આજે વાતાવરણણાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. જેમાં સુત્રાપાડાના પ્રાચી તીર્થમાં વાવણીલાયક વરસાદ થયો હતો અને ગારિયાધારમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ લખતર, બોટાદ અને જામખંભાળિયામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જયારે લખતર પંથકમાં મંગળવારે રાત્રે વાતાવરણમાં આવતા ચક્રવાત આવ્યું હતું. જેના કારણે આ પંથકના ઘણા ગામોમાં કાચા મકાનના છાપરા ઉડયા હતા અને વીજપોલ ધરાશાયી થતા દસેક ગામમાં અંધારપટ છવાયો હતો.
પ્રાચી તીર્થ : સુત્રાપાડા તાલુકાના પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવતાં મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે મેઘરાજા વરસતા રસ્તા પર પાણી દોડતાં થયા હતાં. જેમાં પ્રાચી ઉપરાંત ટીબડી, ઘંટીયા, આલિદ્રા, કુંભારીયા લાખાપરા, ટોબરા, ખાંભા સહિતના અનેક ગામોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતાં. વાવણીલાયક વરસાદ થતાં આવતીકાલથી ધરતી પુત્ર વાવણીના શ્રીગણેશ અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી અને લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી.
ગારિયાધાર : આજે સવારથી જ વાદળછાયા વાતાવરણમાં ભારે બફારો જોવા મળ્યો હતો જે વરસાદી વાતાવરણ સાંજે 5 વાગ્યાના સમયે વાદળુ વરસી પડતાં અડધા ઈંચ ઉપર વરસાદ વરસ્યો હતો. શહેરના જાહેર માર્ગો પર પાણી વહેતા થયા હતાં. જ્યારે વરસાદ બાણ અસહ્ય બફારો થવા પામ્યો હતો.  ગારિયાધાર પીજીવીસીએલ કચેરી દ્વારા ઉનાળાના 4 મહિના પ્રીમોનસુન કામગીરી કરવા છતાં બે છાંટા પડે ને વિજળી ગુલ થઈ જવાની સમસ્યા કાયમી બની છે. વારંવાર વરસાદમાં લાઈટ ગુલ થઈ જવાથી પ્રિ મોન્સુન કામગીરી માત્ર કાગળો પર થઈ હોય તેવું લાગી રહ્યું છે.
બોટાદ : બપોર પછી બોટાદમાં વિજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદના બે ત્રણ ઝાપટા વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદમાં બાળકોએ આનંદ માણ્યો હતો.
જામખંભાળિયા : ખંભાળિયા સહિત દ્વારકા પંથકમાં થોડા દિવસ પૂર્વે કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો હતો. પરુંત હજુ પણ જિલ્લામાં મોટા ભાગે વિસ્તારોમાં વાવણી થઈ નથી ત્યારે ધરતીપુત્રો મેઘરાજાની પધરામણીની રાહ જોય રહ્યાં છે ત્યારે ફરી આજે ખંભાળીયા પંથકમાં વરસાદી વાદળો ઘેરાતા ગ્રામ્ય પંથક માધુપુર, પીપળીયા, જુવાન ગઢ, ભાણવરી સહિતનાં કેટલા વિસ્તારમાં વરસાદના છુટાછવાયા ઝાપટા વરસ્યા હતાં.
લખતર : મંગળવારના રોજ સાંજે અચાનક લખતર પંથકના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ડમરી સાથે ચક્રવાત આવ્યું હતું. જેના કારણે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ, ગાંગડ, બાબાજીપરા, જયોતિપરા તથા માલિકા ગામે નુકસાન થયું હતું. રાત્રે વાવાઝોડાના કારણે ઘર, દુકાન અને વીજળી ના થાંભલાઓને મોટાપાયે નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ થતા લખર મામલતદાર જી.એ.રાઠોડ, ડીડીઓ એચ.ટી.સાધુ, તલાટી કમ મંત્રી વિજયભાઈ પટેલ રાતે જ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.તો બાદમાં બીજા દિવસે વઢવાણ પ્રાંત અધિકારી વી.એન.સરવૈયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. માલીકા ગામે ઘરના છાપરાં ઉડતાં નુકસાન થયું હતું. વિઠ્ઠલગઢ ગામે દુકાનના પતાર ઉડયા હતાં. તાલુકામાં સૌથી વધારે નુકસાન જયોતીપરા ગામે થયું હતુ. જ્યાં ગામનાં 22 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતુ. તો વિસ્તારના અંદાજે વીસેક વીજપોલ ધરાશાયી થતાં રાત્રિના સમયે અંદાજે દસેક ગામોમાં અંધારપટ છવાયો હતો.
સુરતની કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોડી સાંજે પવન સાથે ધોધમાર વરસાદ પડતા ઠંડક પ્રસરી જવા પામી છે.
હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલ આગાહી મુજબ આજે મોડી સાંજે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જો કે સુરત શહેરમાં માત્ર વરસાદનું વાતાવરણ સર્જાયું હતું પરંતુ વરસાદ પડયો ન હતો. જિલ્લામાં અડધો ઇંચથી એક ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે નવસારી, વલસાડ, આહવા-ડાંગમાં ધોધમાર વરસાદ પડયાના અહેવાલ સાપડી રહ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer